મુંબઈ: કોરોના વાયરસ સામેની લડાઈમાં ઉદ્યોગપતિથી લઈને સામાન્ય માણસ સરકારને આર્થિક મદદ કરી રહ્યા છે. ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં 500 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં ચેરમેન મુકેશ અંબાણી તથા રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણી તરફથી આ જાહેરાત પોતાનાં વિશાળ કોર્પોરેશન RIL તરફથી કરવામાં આવી હતી. RILએ જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીનાં ભંડોળમાં નાણાંકિય ફંડ આપવા ઉપરાંત કંપની મહારાષ્ટ્ર અને ગુજરાતની સરકારને 5 - 5 કરોડનું ભંડોળ આપી તેમને Covid-19 સામેની લડતમાં વધુ સક્ષમ બનાવશે.



રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ દ્વારા કોરોના વાઇરસ સામેની લડત માટેની અનિવાર્ય કામગીરી શરૂ કરી દેવાઇ છે. RILની ટીમ શહેરો, ગામડાંઓ, શેરીઓ તથા રસ્તાઓ ઉપરાંત ક્લિનિક્સ અને હૉસ્પિટલ્સથી માંડીને રિટેઇલ તથા કરિયાણા સ્ટોર્સમાં સતત કાર્યરત છે અને અનિવાર્ય સેવાઓ પુરી પાડી રહી છે.

આ પહેલા તાતા ગ્રુપે કુલ 1500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તાતા ગ્રુપમાં સૌથી વધુ હિસ્સો ધરાવતા તાતા ટ્રસ્ટ અને તાતા જૂથની કંપનીઓએ મળીને કુલ 1500 કરોડ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.