મુંબઈઃ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સ્ટોકમાં સોમવારે 6 ટકાનો મટો કડાકો બોલી ગયો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 15 ટકા ઘટ્યો જેના કારણે સ્ટોકમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો. બીએસઈ પર કંપનીનો સ્ટોક 7 ટકાના ઘટાડા સાથે 1909.50 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

આ ઘટાડાથી બીએસઈ ખાતે રિલાયન્સનું બજાર મૂલ્ય 68093.52 કરોડ પિયા ઘટીને 13.21 લાખ કરોડ રૂપિયા રહી ગયું છે. રિલાયન્સે શુક્રવારે બજાર બંધ થયા બાદ પોતાના ક્વાટર્લની પરિણામ જાહેર કર્યા હતા. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો વિતેલા વર્ષની તુલનામાં 15 ટકા ઘટ્યો હતો. કંપનીના ઓઈલ અને કેમિકલ બિઝનેસમાં સુસ્તી રહી પરંતુ ટેલિકોમ જેવા કન્ઝ્યૂમર ફેસિંગ કારોબારમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું.

કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલ જાણકારીમાં કહ્યું કે, જુલાઇથી સપ્ટેમ્બર 2020ના ત્રિમાસિકગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક તુલનાએ 15 ટકા ઘટીને 9567 કરોડ રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ શુક્રવારે શેયર બજારને આપેલી સૂચનામાં કહ્યું આ પહેલા સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 11,262 કરોડ નફો કર્યો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માલિકીના ટેલિકોમ બિઝનેસ રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર રૂ. 2844 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે જે વાર્ષિક તુલનાએ નફામાં ત્રણ ગણી વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં જિયોનો નફો રૂ. 990 કરોડ અને ગત જૂન 2020ના ક્વાર્ટરમાં રૂ. 2513 કરોડ નોંધાયો હતો જેની તુલનાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નફો 13 ટકા વધ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં રોકાણકારોને ચાલુ વર્ષે જંગી રિટર્ન મળ્યુ છે. ચાલુ વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 35 ટકા વધ્યો છે. તો 23મી માર્ચના રોજ બનેલી નીચી સપાટીથી અત્યાર સુધી આ કંપનીના શેરમાં રોકાણકારોને 135 ટકાનું જંગી રિટર્ન મળ્યુ છે. રિલાયન્સનો શેર 16મી સપ્ટેમ્બરના રોજ તેની રૂ. 2369.35ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો ત્યારે કંપનીની માર્કેટકેપ રૂ.16 લાખ કરોડને સ્પર્શી ગઇ હતી.