Retail Inflation Data: મોંઘવારી સામે સામાન્ય જનતાને રાહત નથી મળી રહી ત્યારે ઓગષ્ટ મહિનામાં પણ છૂટ્ટક મોંઘવારી દરમાં (Retail Inflation Rate) વધારો નોંધાયો છે. ગત મહિને નોંધાયેલી મોંઘવારીના આંકડા જાહેર થયા છે જે મુબજ ઓગષ્ટ 2022માં છૂટ્ટક મોંઘવારી દર 7 ટકા પર પહોંચી ગયો છે. ખાવા-પીવાની વસ્તુઓમાં વધી રહેલા સતત ભાવના કારણે આ મોંઘવારી વધી છે. આ પહેલાં જુલાઈ મહિનામાં છૂટ્ટક મોંઘવારી દર 6.71 ટકા, જૂન મહિનામાં 7.01 ટકા, મે મહિનામાં 7.04 ટકા અને એપ્રિલ મહિનામાં 7.79 ટકા રહ્યો હતો. એપ્રિલ મહિનામાં મોંઘવારી તેની ઉચ્ચતમ સપાટી પર રહી હતી.


શાકભાજીના ભાવમાં થયો ભડકોઃ


ઓગષ્ટ મહિનામાં એકવાર ફરીથી ખાદ્ય મોંઘવારી દર (Food Inflation) વધતો રહ્યો છે. ખાદ્ય મોંઘવારી દર 7.62 ટકા રહ્યો છે. જ્યારે જુલાઈમાં આ ટકાવારી 6.75 ટકા અને જૂનમાં 7.75 ટકા રહી હતી. આ દરમિયાન શાકભાજીમાં સૌથી વધુ મોંઘવારી નોંધાઈ છે અને તેમની મોંઘવારીનો દર 13.23 ટકા રહ્યો છે.


શહેરી - ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી વધીઃ


ઓગસ્ટ મહિનામાં શહેરી અને ગ્રામીણ (Urban and Rural) બંને વિસ્તારોમાં ખાદ્યપદાર્થોના મોંઘવારીમાં ઉછાળો આવ્યો છે. શહેરી વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો (Food Inflation) જુલાઈમાં 6.69 ટકાની સરખામણીએ 7.55 ટકા રહ્યો. જ્યારે ઓગસ્ટ 2021માં 3.28 ટકા ખાદ્ય ફુગાવો શહેરી વિસ્તારોમાં હતો. તે જ સમયે, ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી દર 7.60 ટકા રહ્યો છે, જે જુલાઈમાં 6.73 ટકા હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય ફુગાવાનો દર 3.08 ટકા હતો.


EMI મોંઘી થશે!


રિટેલ ફુગાવાનો આંકડો હજુ પણ આરબીઆઈના સહનશીલતા (ટોલરેન્સ) બેન્ડના 6 ટકાની ઉપરની મર્યાદાથી ઉપર છે. RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. અને 30 સપ્ટેમ્બરે આરબીઆઈ વ્યાજ દરો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરશે. એવું માનવામાં આવે છે કે RBI રેપો રેટમાં ફરી 0.25 ટકાનો વધારો કરી શકે છે. રેપો રેટ 5.40 ટકાથી વધારીને 5.65 ટકા થઈ શકે છે.


આ પણ વાંચો...


Stock Market Closing: સેન્સેક્સ 60 હજારને પાર, માર્કેટમાં રોકાણકારોની નીકળી ખરીદી