ભારતીય બજારમાં રિટેલ રોકાણકારોની ગતિવિધિઓ સતત વધી રહી છે. રોકાણકારોની સ્થિતિ એવી છે કે તેઓ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં પણ ખૂબ સક્રિય છે જે ખૂબ જોખમી માનવામાં આવે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીની સતત ચેતવણીઓની પણ કોઈ ખાસ અસર થઈ રહી નથી. આ જ કારણ છે કે રિટેલ રોકાણકારોએ ગયા મહિને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં નવો રેકોર્ડ બનાવ્યો છે.


ઝીરો-ડે ઓપશન્સનો છે કમાલ


મિન્ટના એક અહેવાલ મુજબ દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSE પર ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ કરનારા રિટેલ પાર્ટિસિપન્ટ્સની સંખ્યા ઓગસ્ટ મહિનામાં રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. રિપોર્ટ અનુસાર, રિટેલ રોકાણકારોમાં ઝીરો-ડે ઓપશન્સ ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે. આ વિકલ્પોની વિશેષતા એ છે કે તેમની એક્સપાયરી દૈનિક છે અને તેમની કિંમત પણ તુલનાત્મક રીતે ઓછી છે. શૂન્ય-દિવસના ઓપશન્સની વધતી જતી લોકપ્રિયતાએ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રિટેલ રોકાણકારોની ભાગીદારીના રેકોર્ડ સ્તરમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.


આ રેકોર્ડ ઓગસ્ટમાં બન્યો હતો


રિપોર્ટમાં NSEના ડેટા અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે જુલાઈ મહિના દરમિયાન, સપ્તાહના 5માંથી 4 દિવસોમાં મુખ્યત્વે ઈન્ડેક્સ ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરનારા રિટેલ રોકાણકારોની સંખ્યા 3.7 મિલિયન હતી. 2022-23ની માસિક સરેરાશ 2.8 મિલિયન કરતાં આ પહેલેથી જ નોંધપાત્ર રીતે વધારે છે. ત્યારપછી ઓગસ્ટમાં આવા રોકાણકારોની સંખ્યા 40 લાખ સુધી પહોંચી ગઈ, જે એક નવો રેકોર્ડ છે.


બીએસઈ પણ શરૂઆત કરી


ઝીરો-ડે ઓપસન્સ બજારમાં રિટેલ રોકાણકારોની નવી પસંદગી તરીકે ઉભરી રહ્યા છે. આ ઓપશન્સ કરાર NSE પર પહેલેથી જ ઉપલબ્ધ છે. તેમની વધતી માંગને ધ્યાનમાં રાખીને, તાજેતરમાં BSEએ પણ આની શરૂઆત કરી છે. BSE એ આ વર્ષે મે મહિનામાં અઠવાડિયાના દરેક દિવસે સમાપ્ત થતા સેન્સેક્સ ઓપશન્સ શરૂ કર્યા છે.


સેબીએ તાજેતરમાં આ ચેતવણી આપી હતી


આ એવી સ્થિતિ છે જ્યારે ઓપ્શન્સ ટ્રેડિંગ તદ્દન જોખમી માનવામાં આવે છે. માર્કેટ રેગ્યુલેટર સેબી આ અંગે રોકાણકારોને સતત ચેતવણી આપી રહી છે. મે મહિનામાં જ, સેબીએ તમામ બ્રોકરોને રિટેલ રોકાણકારોને તેમની વેબસાઈટ પર ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગના જોખમો વિશે ચેતવણી આપવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. આ સિવાય સેબીએ દરેક ડેરિવેટિવ ઓર્ડર સાથે ચેતવણી આપવાનું પણ કહ્યું છે.


આ રીતે નુકસાન થાય છે


હકીકતમાં, રિટેલ રોકાણકારો ડેરિવેટિવ ટ્રેડિંગમાં સૌથી વધુ નુકસાન સહન કરે છે. સેબીના ડેટા દર્શાવે છે કે ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટમાં વેપાર કરતા દર 10માંથી 9 રિટેલ રોકાણકારોને નુકસાન થાય છે. આવા રોકાણકારોનું સરેરાશ નુકસાન રૂ. 50 હજાર છે.