Mukesh Ambani Tribute C K Metha: મૂળ અમરેલીનાં વતની અને દિપક જૂથનાં (દિપક ફર્ટિલાઇઝર એન્‍ડ પેટ્રોકેમિકલ્‍સ તેમજ દિપક નાઇટ્રેટ કંપનીઓનાં સમૂહનાં) ચેરમેન  ચીમનભાઈ કે મહેતાનું 3 જુલાઈ, 2023ને ગુરુપૂર્ણિમાના દિવસે નિધન થયું હતું. તેમની પ્રાર્થના સભાનું આયોજન અંગત સ્‍નેહીઓ અને પરિવારજનો માટે મુંબઈ ખાતે રાખવામાં આવ્યું.જેમાં રિલાયન્‍સ ગ્રુપનાં વડા મુકેશ અંબાણી પણ હાજરી પુરાવી હતી.


સ્વ. ચીમનભાઈ મહેતા સાથેનાં સ્‍વર્ગીય ધીરૂભાઈ અંબાણી સાથેની મૈત્રી તેમજ તેમની સાથેનાં પોતાના સંસ્‍મરણો વાગોળતા મુકેશ અંબાણીએ હૃદયસ્‍પર્શી શ્રદ્ધાંજલી આપી. અંદાજે સાડા છ મિનિટનાં વક્‍તવ્‍યમાં મુકેશ અંબાણી સ્‍વ. ચીમનભાઈ મહેતાને સીકે અંકલ તરીકે સંબોધન કરીને શરૂઆત કરી અને તેમને લેજેન્‍ડ તરીકે ઓળખાવ્‍યા.


1980ના દશકમાં સીકે સાહેબ સાથે પરિચયમાં આવ્‍યાનું સ્‍વીકારતા મુકેશ અંબાણીએ જણાવ્‍યું હતું કે સ્‍વર્ગીય ધીરૂભાઈ અને સ્‍વર્ગીય ચીમનભાઈ 1932માં જન્‍મેલા ચીમનભઈ 91 વર્ષનું જીવન જીવ્‍યા બાદ માત્ર પરિવાર કે દિપક જૂથ કે ભારતનાં કેમિકલ ઉદ્યોગ માટે નહિ પણ ભારતમાં ઉધોગ સાહસિકો માટે પણ એ એક દીવાદાંડી સમાન વ્‍યક્‍તિત્‍વ અને લેજેન્‍ડ રહેશે તેવું મુકેશ અંબાણીએ તેમનાં વક્‍તવ્‍યમાં કહ્યું હતું.




મારા પપ્‍પા એમને કહેતા કે સીકે મમરા ખાવા આવોઃ મુકેશ અંબાણી


પોતાનાં પિતા સ્‍વર્ગીય ધીરૂભાઈ અને સ્‍વર્ગીય ચીમનભાઈ વચ્‍ચેનાં મૈત્રિક સંબંધને યાદ કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘મને યાદ છે કે બન્ને ઘણીવાર એકબીજાને મળતા, મારા પપ્‍પા એમને કહેતા કે આવો સીકે મમરા ખાવા આવો - આ સીકે અંકલ સાથેની વાત દરમિયાનનું એમનું પ્રચલિત વાક્‍ય હતું અને આવો નિકટનો એમનો સંબંધ હતો.'


સાથે સાથે મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે, ‘મારા પિતાજી સીકે અંકલ માટે હંમેશા કહેતા કે - આ મારા કરતા દસ વર્ષ આગળ છે,' કારણ કે દિપક જૂથે કેમિકલ્‍સ ઉદ્યોગ ક્ષેત્રે સિંતેરનાં દાયકામાં ઝંપલાવ્‍યું હતું અને રિલાયન્‍સ જૂથે મધ્‍ય એંસીનાં દશકમાં કેમિકલ ઉદ્યોગ ક્ષેત્રે શરૂઆત કરી હતી.


ધીરૂભાઈ અને ચીમનભાઈએ કારકિર્દીની શરૂઆત મસ્‍જિદ બંદરેથી સાથે કરી હોવાની વાતને પણ નિખાલસતા સાથે સ્‍વીકારતા મુકેશ અંબાણીએ તેમના વક્‍તવ્‍યમાં કહ્યું કે, ‘એ સમયે બન્ને એકબીજા સાથે મસ્‍તી-મજાકમાં કહેતા કે આપણે તો ઝીરો ક્‍લબનાં સભ્‍યો છીએ,' કારણ બંનેએ શૂન્‍યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું હતું.




સીકે અંકલે આપ્યો ગુરુ મંત્ર - મુકેશ અંબાણી


પોતાનાં સીકે અંકલ સાથેનાં સ્‍મરણો પર પ્રકાશ પાડતા મુકે અંબાણીએ કહ્યું હતું કે એંસીનાં દાયકામાં તેમને સીકે અંકલને મળવાનું થતું અને અંગત રીતે સ્‍વસ્‍થ ચિત્તે ધીરગંભીર થઈને કાર્યરત કેમ રહેવું જોઈએ તે અંગેનો ગુરૂમંત્ર અને અત્‍યંત જરૂરી પદાર્થપાઠ સીકે અંકલ પાસેથી તેઓ શીખ્‍યા હતા.


‘હજુ મને યાદ છે કે એંસીનાં દશકમાં જયારે હું યુવાન હતો ત્‍યારે મારે સીકે અંકલ પાસે જવાનું થતું અને હું તેમની પાસેથી સમજવા અને જાણવા પ્રયત્‍ન કરતો કે કેમિકલ ક્ષેત્રે ઉદ્યોગ ચલાવવા માટે શું કરવું જોઈએ, કેવી રીતે એ કાર્યપદ્ધતિ અપનાવવી જોઈએ. મારા પિતાનાં મિત્ર હોવાનાં નાતે મને બેસાડીને શાંતિથી સમજાવતા અને બે શબ્‍દોનો ગુરૂમંત્ર આપ્‍યો હતો - ધીરજ અને અનુકંપા. સાથે સાથે તેમણે મને એ પણ શીખવ્‍યું હતું કે કોઈપણ પરિસ્‍થિતિ સ્‍વસ્‍થ ચિત્તે, શાંત મને અને ધીરગંભીર થઈને નિવારવી જોઈએ,' તેવું મુકેશ અંબાણીએ ઉમેર્યું હતું.


પિતાના અવસાન વખતે અંગત રીતે મળી સાંત્વાના પાઠવી હતી - મુકેશ અંબાણી


સીકે અંકલને તેમના મેન્‍ટર તરીકે સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘એ સમય બહુ જુદો હતો લાયસન્‍સ રાજ હતું, એવી ઘણી પરિસ્‍થિતિઓ હતી ખાસ કરીને કામદાર અને માનવ સંસાધન ક્ષેત્રે જે અમોએ સાથે ભોગવી છે, એવી પરિસ્‍થિતિમાંથી કેમ નીકળવું એ સીકે અંકલે મને હંમેશા અંગત રીતે શીખવ્‍યું હતું અને એક રીતે જોવા જાઓ તો મને માર્ગદર્શન આપ્‍યું હતું, જેના માટે હું સદૈવ તેમનો કૃતજ્ઞ રહીશ.'  ત્‍યારબાદનાં લાંબા સમયકાળ સુધી મુકેશ અંબાણીએ સીકે અંકલનાં સંપર્કમાં ન હોવાની વાત સ્‍વીકારતા કહ્યું કે, ‘જયારે પણ અમો મળતા, સીકે અંકલ એ દિવસો યાદ કરતા, ખુબજ લાગણી, પ્રેમ અને અનુકંપા સાથે મળતા, જયારે મારા પિતા અવસાન પામ્‍યા ત્‍યારે મને અંગત રીતે મળીને સાંત્‍વના પાઠવી હતી અને હિમંત આપી હતી.'



સીકે અંકલનો એક ફોન કોલ કાયમ યાદ રહેશે - મુકેશ અંબાણી


મુકેશ અંબાણીએ જણાવ્‍યું કે, ‘સીકે અંકલનો એક ફોન કોલ જે હું હરહંમેશ યાદ કરૂં અને એની કદર કરૂં છું, એ વર્ષ 2016-17માં જયારે ‘જીઓ'ની ટેલિકોમ સેવાઓ ભારતમાં ખરેખર બદલાવ લાવી રહી હતી. ત્‍યારે એ પહેલા એવા વ્‍યક્‍તિ હતા જેમણે કહ્યું હતું કે, મને તો તારામાં ભરોસો હતો જ અને આ રીતે તેઓ હરહંમેશ મને પ્રોત્‍સાહિત કરતા રહ્યા.'