નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈએ) ગ્રાહકોને મોટી સુવિધા આપતી રિયલ ટાઇમ ગ્રોસ સેટમેન્ટ (RTGS) સિસ્ટમને લાગુ કરી છે.  આ સુવિધા આજે રાત્રે 12.30 કલાકથી અઠવાડિયાના તમામ દિવસો ચોવીસ કલાક મળશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી હતી. આ પહેલા ઓક્ટોબરમાં આરબીઆઈએ આરટીજીએસને ડિસેમ્બર 2020માં અઠવાડિયાના તમામ દિવસ 24 કલાક ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

આરબીઆઈએ દેશભરમાં ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા આ પગલું ભર્યું છે. કોરોના કાળમાં ડિજિટલ બેંકિંગનો ઉપયોગ વધી ગયો છે. આરટીજીએસ અંતર્ગત ન્યૂનતમ ટ્રાન્સફર રકમ બે લાખ રૂપિયા છે. જ્યારે મહત્તમ રકમની કોઇ સીમા નથી. આ સિસ્ટમથી તમે સામેની વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફ કરો તો થોડી જ મિનિટમાં તેના ખાતામાં રકમ જમા થઈ જાય છે.



જૂન 2019માં આરબીઆઈએ આમ જનતાને મોટી ભેટ આપતાં આરટીજીએસ અને નેશનલ ઈલેકટ્રિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) દ્વારા થતાં ટ્રાન્ઝેક્શન ફ્રી કરી દીધા હતા. આરટીજીએશની સુવિધા 26 માર્ચ, 2004ના રોજ શરૂ થઈ હતી. ત્યારે માત્ર 4 બેંક પાસે આ સર્વિસ હતી. વર્તમાનમાં રોજના 6.35 લાખ ગ્રાહકો આશરે 4.17 લાખ કરોડ રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કરે છે અને હાલ 237 બેંકો આ સુવિધા આપી રહી છે.