SBI credit card reward rules 2026: જો તમે ઓનલાઈન શોપિંગ, બિલ પેમેન્ટ કે વીમાનું પ્રીમિયમ ભરવા માટે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રિવોર્ડ પોઈન્ટ્સ જમા કરો છો, તો તમારા માટે એક માઠા સમાચાર છે. SBI કાર્ડે પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપતા રિવોર્ડ પોઈન્ટના નિયમોમાં ધરખમ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને PhonePe SBI ક્રેડિટ કાર્ડ પર્પલ (Purple) અને સિલેક્ટ બ્લેક (SELECT Black) કાર્ડ વાપરતા લોકો માટે 1 જુલાઈ, 2026 થી ઘણા લોકપ્રિય ખર્ચાઓ પર રિવોર્ડ પોઈન્ટની લિમિટ ઘટાડી દેવામાં આવી છે. એટલું જ નહીં, અમુક વ્યવહારો પર તો રિવોર્ડ પોઈન્ટ સાવ બંધ જ કરી દેવાયા છે. જો તમે પણ આ કાર્ડ વાપરો છો, તો નવા નિયમો જાણી લેવા ખૂબ જરૂરી છે, નહીંતર તમને પહેલા જેવા ફાયદા નહીં મળે.
પર્પલ (Purple) કાર્ડધારકો માટે શું બદલાશે?
SBI કાર્ડે PhonePe SBI ક્રેડિટ કાર્ડ પર્પલ માટે દર મહિને મળતા રિવોર્ડ પોઈન્ટની મર્યાદા બદલી નાખી છે. પહેલા આ કાર્ડ પર PhonePe દ્વારા થતા ખર્ચ પર દર મહિને વધુમાં વધુ 1000 રિવોર્ડ પોઈન્ટ મળતા હતા. પણ હવે નિયમ બદલાયો છે. હવે વીમા સંબંધિત ખર્ચ પર વધુમાં વધુ 250 અને PhonePe ના અન્ય ખર્ચ પર વધુમાં વધુ 750 પોઈન્ટ જ મળશે. આ ઉપરાંત, ઓનલાઈન ખર્ચ માટેની મર્યાદા પણ 1000 થી ઘટાડીને 750 કરી દેવાઈ છે.
સિલેક્ટ બ્લેક (SELECT BLACK) કાર્ડધારકોને પણ લાગશે ઝટકો
PhonePe SBI ક્રેડિટ કાર્ડ સિલેક્ટ બ્લેક યુઝર્સ માટે પણ રિવોર્ડ પોઈન્ટની કમાણી ઘટાડી દેવામાં આવી છે. પહેલા PhonePe ના ખર્ચ પર દર મહિને 2000 રિવોર્ડ પોઈન્ટ મળતા હતા. પરંતુ હવે વીમાના ખર્ચ પર વધુમાં વધુ 500 અને PhonePe ના અન્ય ખર્ચ પર વધુમાં વધુ 1500 પોઈન્ટ જ મળશે. જ્યારે ઓનલાઈન ખર્ચ માટેની રિવોર્ડ પોઈન્ટ લિમિટ પણ 2000 થી ઘટાડીને સીધી 1000 કરી દેવાઈ છે.
આ ખર્ચાઓ પર હવે એકપણ રિવોર્ડ પોઈન્ટ નહીં મળે
SBI કાર્ડે એવા ટ્રાન્ઝેક્શનનું લિસ્ટ પણ મોટું કરી દીધું છે જેના પર હવેથી કોઈ રિવોર્ડ પોઈન્ટ નહીં મળે. આ યાદી નીચે મુજબ છે:
ટોલ અને બ્રિજનું પેમેન્ટ
ગિફ્ટની ખરીદી
જ્વેલરીની ખરીદી
શૈક્ષણિક સંસ્થાઓને કરેલું પેમેન્ટ
PhonePe એપની બહાર જઈને ભરેલા યુટિલિટી બિલ
PhonePe એપની બહાર ભરેલું વીમાનું પ્રીમિયમ
PhonePe એપની બહાર કરેલા કોઈપણ UPI પેમેન્ટ
આ પણ વાંચોઃ Credit Card New Rules: 1 એપ્રિલથી ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે; જાણો ટેક્સ અને પેમેન્ટની નવી ગાઈડલાઈન
શું કોઈ વસ્તુ પહેલા જેવી રહેશે?
જોકે, એક સારી વાત એ છે કે SBI કાર્ડે સ્પષ્ટતા કરી છે કે માત્ર રિવોર્ડ પોઈન્ટની મર્યાદા અને પાત્રતામાં જ ફેરફાર કરાયો છે. કાર્ડની અન્ય સુવિધાઓ અને ફાયદાઓમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.
હવે ગ્રાહકોએ શું કરવું જોઈએ?
જો તમે ફોનપે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો 1 જુલાઈ, 2026 થી લાગુ થનારા આ નવા નિયમોને ધ્યાનમાં રાખીને જ તમારા ખર્ચનું પ્લાનિંગ કરજો. વીમા, બિલ, શિક્ષણની ફી અને જ્વેલરી જેવી કેટેગરીમાં ખર્ચ કરનારા ગ્રાહકોને હવે પહેલા કરતા ઓછા પોઈન્ટ મળશે. તેથી નુકસાનથી બચવા અને કાર્ડનો પૂરો લાભ લેવા માટે આ નવા નિયમો સમજી લેવા હિતાવહ છે.
આ પણ વાંચોઃ ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણ ભરશે? શું પરિવાર પર આવશે જવાબદારી? જાણો RBI ના નિયમો
