નવી દિલ્હી: દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના ગ્રાહકોને 1 નવેમ્બરથી મોટો ઝટકો લાગી શકે છે. SBI સેવિંગ્સ એકાઉન્ટ પર મળતા વ્યાજમાં ઘટાડો કરવા જઈ રહી છે. વ્યાજદરોમાં આ ઘટાડો 1 નવેમ્બર 2019થી લાગૂ થશે. બીજી તરફ સરકાર ડિજીટલ પેમેન્ટ માટે નિયમોમાં મોટા ફેરફાર કરી રહી છે.


SBI એક લાખ રૂપિયા સુધીની જમા રકમ પર વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટાડો કરવા જઈ રહી છે. એક નવેમ્બરથી 1 લાખ રૂપિયાની રકમ પર વ્યાજ 3.50 ટકાથી ઘટીને 3.25 ટકા થઈ જશે. બેંકનાં આ બદલાતા નિયમથી લગભગ 42 કરોડ ગ્રાહકો પર તેની અસર થશે.

પાછલા દિવસોમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ નિર્દેશ રજૂ કર્યો છે કે, 1 નવેમ્બરથી કારોબારી ડિજીટલ પેમેન્ટ લેવાથી ઈનકાર કરી શકાશે નહી. નવા નિયમ મુજબ, 1 નવેમ્બરથી કારોબારીઓ અને ગ્રાહકો પાસેથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) નહી વસૂલવામાં આવે. બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ હતુ કે, 50 કરોડ રૂપિયાથી વધારે વાર્ષિક ટર્નઓવર વાળા કારોબારી સંસ્થાઓએ પોતાના ગ્રાહકોને ઓછા ખર્ચવાળી ચૂકવણી માટે ડિજીટલ મોડ રજૂ કરવું જોઈએ. ટ્રાન્ઝેક્શન પર આવતા ખર્ચને RBI તથા બેંકોને ચૂકવવો જોઈએ.