SBI Home Loan Interest Rate: રિઝર્વ બેંકના રેપો રેટમાં વધારો કર્યા બાદ તમામ ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો તેમના વ્યાજદરમાં વધારો કરી રહી છે. પરંતુ, દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ પોતાના ગ્રાહકોને સસ્તી હોમ લોનની ભેટ આપી છે. બેંકે કહ્યું છે કે 15 ડિસેમ્બર પછી હોમ લોન લેનારા ગ્રાહકોને 0.30 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. જો કે, આ ઓફર મર્યાદિત સમય માટે છે અને તેનો લાભ લેવા માટે વહેલી તકે અરજી કરવી પડશે.


SBIએ કહ્યું છે કે તહેવારોની ઓફર હેઠળ 15 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી 2023 સુધી હોમ લોન લેનારા ગ્રાહકોને આ ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે. આ ઓફર પછી, બેંકની હોમ લોન પર વ્યાજ દર 8.75 ટકાથી શરૂ થશે, જ્યારે સામાન્ય વ્યાજ દર 8.90 ટકા છે. બેંકે કહ્યું છે કે ગ્રાહકોને વ્યાજ દરમાં 0.15 ટકાથી 0.30 ટકા સુધીની છૂટ આપવામાં આવશે.


હવે લોનનું વ્યાજ કેટલું છે


15 ડિસેમ્બરે, બેંકે એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલી લોન પર વ્યાજ દર વધારીને 8.90 ટકા કર્યો હતો, જે અગાઉના 8.55 ટકા કરતાં 0.35 ટકા વધારે છે. આ સિવાય ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ અને BSP પણ આ દરમાં ઉમેરવામાં આવે છે. એ જ રીતે રેપો રેટ સાથે જોડાયેલ હોમ લોનના વ્યાજ દરમાં પણ 0.35 ટકાનો વધારો કરીને 8.50 ટકા કરવામાં આવ્યો છે. આમાં ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ પણ ઉમેરવામાં આવશે.


MCLR લિંક્ડ લોન વ્યાજ દર


SBIએ MCLR સાથે જોડાયેલ હોમ લોનના વ્યાજ દરમાં પણ 0.25 ટકાનો વધારો કર્યો છે. હવે એક વર્ષનો MCLR 8.30 ટકા થઈ ગયો છે, જ્યારે બે વર્ષનો MCLR 8.50 ટકા અને ત્રણ વર્ષનો MCLR 8.60 ટકા થઈ ગયો છે. બેંકે તહેવારો પહેલા 4 ઓક્ટોબરે તહેવારોની ઓફર આપી હતી, જે આગામી વર્ષે 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.


CIBIL સ્કોર દ્વારા વ્યાદ રમાં છૂટ નક્કી કરવામાં આવશે


બેંકે તેની તહેવારોની ઓફરમાં જણાવ્યું છે કે ડિસ્કાઉન્ટ મેળવવા માટે ગ્રાહકો પાસે વધુ સારો CIBIL સ્કોર હોવો જરૂરી છે. જે ગ્રાહકોની CIBIL 800 થી ઉપર હશે, તેમને હોમ લોન પર 15 બેસિસ પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેવી જ રીતે, 750 થી 799 નો CIBIL સ્કોર ધરાવતા ગ્રાહકોને 25 બેસિસ પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ મળશે. જો ગ્રાહક મહિલા છે, તો તેને વધુ 5 બેસિસ પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ રીતે, કુલ ડિસ્કાઉન્ટ વધીને 0.30 ટકા થશે. જો ક્રેડિટ સ્કોર 700 થી 749 ની વચ્ચે છે, તો હોમ લોન પર 20 બેસિસ પોઈન્ટ્સનું રિબેટ મળશે.


પ્રોસેસિંગ ફીમાંથી મુક્તિ


SBIએ તેની તહેવારોની ઓફર હેઠળ હોમ લોન લેનારા ગ્રાહકોને પ્રોસેસિંગ ફીમાં છૂટ આપવાનું કહ્યું છે. બેંક 31 જાન્યુઆરી સુધી હોમ લોન લેનારા ગ્રાહકો પાસેથી કોઈ પ્રોસેસિંગ ફી વસૂલશે નહીં. આ ઓફર હોમ લોન અને તેના ટોપ અપ બંને પર લાગુ થશે, જ્યારે પ્રોપર્ટી સામે લોન પર 10,000 રૂપિયાની પ્રોસેસિંગ ફી વત્તા GST વસૂલવામાં આવશે.