SBI MCLR Rates :  દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ તેના કરોડો ગ્રાહકોને ઝટકો આપ્યો છે. બેંકે આજથી (15 નવેમ્બર) MCLR દરમાં વધારો કર્યો છે. MCLR દરોમાં વધારાની સીધી અસર તમારી પર્સનલ લોન, કાર લોન અને હોમ લોનના EMI પર પડે છે.  સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ  વ્યાજ દરોમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. તાજેતરમાં, આ બીજી વખત છે જ્યારે બેંકે MCLR દરોમાં વધારો કર્યો છે.  બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, એક વર્ષનો MCLR 0.05 ટકા વધારીને 9 ટકા કરવામાં આવ્યો છે.  SBI દ્વારા 15 નવેમ્બરથી નવો નિયમ લાગુ કર્યો છે.


સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ અનુસાર, બેંકે 3 મહિના, 6 મહિના અને 1 વર્ષ માટે MCLR દરોમાં સુધારો કર્યો છે. જેમાં 3 મહિનાનો દર 8.50 ટકાથી વધારીને 8.55, 6 મહિનાનો દર 8.85 ટકાથી વધારીને 8.90 ટકા અને 1 વર્ષનો દર 8.95 ટકાથી વધારીને 9.00 ટકા કરવામાં આવ્યો છે.     


SBIએ  માત્ર ત્રણ, છ અને 12 મહિનાના MCLRમાં વધારો કર્યો છે. એક દિવસ, એક મહિનો, બે વર્ષ અને ત્રણ વર્ષની મુદત માટે MCLR જાળવી રાખવામાં આવ્યો છે.    


42 ટકા લોન MCLR સાથે જોડાયેલ    


બેંકના ચેરમેન સી એસ શેટ્ટીએ જણાવ્યું હતું કે બેંકના લોન સેગમેન્ટના 42 ટકા MCLR સાથે જોડાયેલા છે, જ્યારે બાકીના એક્સટર્નલ બેન્ચમાર્ક પર આધારિત છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે બેંકિંગ સિસ્ટમમાં થાપણ દર તેમના ઉચ્ચતમ સ્તરે છે.  


પર્સનલ, વાહન અને હોમ લોનનો વ્યાજ દર એક વર્ષના MCLR દર દ્વારા નક્કી કરવામાં આવે છે. તેના પરથી સ્પષ્ટપણે કહી શકાય કે બેંકે લોનના વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક દિવસોમાં બેંકે MCLRમાં બે વખત વધારો કર્યો છે.  


રિઝર્વ બેંકના તાજેતરના ડેટા અનુસાર, ઓક્ટોબર 2024માં બેંકો દ્વારા આપવામાં આવેલી લોન પર વ્યાજ દર (MCLR) સપ્ટેમ્બર મહિનાની જેમ 8.95% રહ્યો. આનો અર્થ એ થયો કે ગયા મહિનાની સરખામણીમાં જો તમે આ મહિને બેંકો પાસેથી લોન લો છો, તો તમારે પહેલા જેટલું જ વ્યાજ ચૂકવવું પડશે.         


10 વર્ષમાં 5000 કે 10000 ની મહિને SIP થી કેટલા પૈસા જમા થશે ? જાણો કેલક્યુલેશન