નવી દિલ્હીઃ જો તમારું એસબીઆઈમાં બેંક એકાઉન્ટ છે અને એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે એટીએમ કાર્ડનો ઉપયોગ કરો છો આગામી વર્ષથી તમારે સાવધાની રાખવી પડશે. એસબીઆઈએ આગામી વર્ષે 1 જાન્યુઆરીથી રોકડ ઉપાડ માટે નવી ટેક્નોલોજીની શરૂઆત કરવા જઈ રહી છે.

બેંકે નવી ટેક્નોલોજીથી એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે એક સિક્યોરિટી લેયર તૈયાર કર્યું છે. તેમાં માત્ર ઓટોપી (OTP) દ્વારા તમે એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકાશે. બેંકના આ નિર્ણયનો ઉદ્દેશ એટીએમથી રોકડ ઉપાડતા સમયે ફ્રોડથી બચાવવાનો છે. એસબીઆઈએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી છે.


નવા નિયમ અંતર્ગત રાત્રે આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી રોકડ ઉપાડવા માટે બેંકમાં નોંધાયેલા મોબાઇલ પર OTP આવશે. આ ઓટીપી દાખલ કર્યા બાદ જ રોકડ ઉપાડી શકાશે. એટલે કે તમારે રૂપિયા ઉપાડતી વખતે બેંકમાં નોંધાયેલો મોબાઇલ ફોન પણ સાથે લઈ જવો પડશે. આ નિયમ 10 હજારથી વધારેની રોકડ ઉપારડ પર લાગૂ થશે.

બૅંક તરફથી જે ઓટીપી મોકલવામાં આવશે તે ફક્ત એક જ ટ્રાન્ઝેક્શન માટે માન્ય રહેશે. એટલે કે બીજા ટ્રાન્ઝેક્શન માટે બીજો ઓટીપી આપવામાં આવશે. હાલમાં આ સિસ્ટમ ફક્ત એસબીઆઈના એટીએમમાં કામ કરશે. એટલે કે બીજી કોઈ બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડવા પર ઓટીપી નાંખવો નહીં પડે. કારણ કે હાલ National Financial Switchમાં આ સુવિધા તૈયાર કરવામાં આવી નથી.

એસબીઆઈના એટીએમમાં ગ્રાહક જેવી 10 હજારથી વધારેની રકમ એન્ટર કરશે એટલે તરત જ બીજા સ્ટેપમાં એટીએમની સ્ક્રીન પર OTP દાખલ કરવાનો વિકલ્પ આવશે. ઓટીપી દાખલ કર્યા પછી જ પૈસા કાઢી શકાશે. બૅંકના કહેવા પ્રમાણે આવું કરવાથી બૉગસ કાર્ડથી થતાં ટ્રાન્ઝેક્શનને અટકાવી શકાશે.