SEBI Bans Naked Short Selling: ભારતીય સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્ટોક માર્કેટમાં નેકેડ શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. સેબીએ કહ્યું છે કે બજારમાં દરેક કેટેગરીના રોકાણકારોને શોર્ટ-સેલિંગની મંજૂરી આપવામાં આવશે પરંતુ નેકેડ શોર્ટ-સેલિંગ રોકાણકારો તે કરી શકશે નહીં. સેબીએ જણાવ્યું હતું કે ફ્યુચર ટ્રેડિંગ એટલે કે વાયદા કારોબાર માટે જે શેર ઉપલબ્ધ છે  તે તમામમાં શોર્ટ સેલિંગની મંજૂરી આપવામાં આવશે.


સેબી દ્વારા શૉટ-સેલિંગ અંગે જારી કરાયેલા ફ્રેમવર્કમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય સિક્યોરિટીઝ માર્કેટમાં નેકેડ શોર્ટ-સેલિંગને મંજૂરી આપવામાં આવશે નહીં. તમામ રોકાણકારોએ સેટલમેન્ટ દરમિયાન દરેક સમયે સિક્યોરિટીઝની ડિલિવરીની જવાબદારી પૂરી કરવી પડશે. ફ્યુચર ટ્રેડિંગમાં ઉપલબ્ધ સ્ટોકના શોર્ટ સેલિંગને પણ મંજૂરી આપવામાં આવશે. જો કે, સેબી સમયાંતરે તેની સમીક્ષા કરતી રહેશે.


સેબીના જણાવ્યા અનુસાર, નવા નિયમો હેઠળ સંસ્થાકીય રોકાણકારોએ ઓર્ડરના પ્લેસમેન્ટ દરમિયાન જાણ કરવી પડશે કે ટ્રાન્ઝેક્શન શોર્ટ-સેલ છે કે નહીં. જો કે, રિટેલ રોકાણકારોએ ટ્રેડિંગ દિવસના અંત પછી, ટ્રાન્ઝેક્શનના દિવસે જ જાહેરાત કરવી પડશે. સેબીએ એવો પણ આદેશ આપ્યો છે કે સંસ્થાકીય રોકાણકારો હવે ડે ટ્રેડિંગ કરી શકશે નહીં.


નેકેડ શોર્ટ સેલિંગમાં, શેરની ખરીદી કર્યા વિના અથવા ભવિષ્યમાં શેર ખરીદવામાં આવશે તેની ખાતરી કર્યા વિના શેરનું શોર્ટ સેલિંગ કરવામાં આવે છે. ભારતમાં જાન્યુઆરી 2023માં શોર્ટ સેલિંગ ચર્ચામાં આવ્યું હતું. શોર્ટ સેલર હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર અનૈતિક રીતે શેરના ભાવમાં વધારો કરવાનો આરોપ લગાવતો અહેવાલ જારી કર્યો હતો. હિંડનબર્ગે અદાણી ગ્રુપના શેરમાં શોર્ટ સેલિંગ કર્યું હતું. જે બાદ શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.


શોર્ટ સેલિંગ શું છે?
શૉર્ટ સેલિંગ એ શેરબજારમાં ટ્રેડિંગની એક પદ્ધતિ છે.શોર્ટ સેલિંગ હેઠળ, કોઈપણ રોકાણકાર ઊંચા ભાવે શેર વેચે છે અને જ્યારે શેરની કિંમત નીચે આવે છે ત્યારે તેને પાછો ખરીદે છે. જે ઊંચા ભાવે શેર વેચવામાં આવ્યો હતો અને જે નીચા ભાવે શેર ખરીદવામાં આવ્યો હતો તે વચ્ચેનો તફાવત એ રોકાણકારનો નફો છે. રોકાણકારો માત્ર શેર ખરીદીને બજારમાં નફો કમાતા નથી પણ શેર ખરીદ્યા વિના વેચાણ કરીને પણ નફો કમાઈ શકે છે અને તેને શોર્ટ સેલિંગ કહેવાય છે.