Demat Accounts: મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો અને ડિમેટ ખાતાધારકો માટે રાહતના સમાચાર છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ 10 જૂનના રોજ જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે તે એવા રોકાણકારોના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો અથવા ડિમેટ એકાઉન્ટને ફ્રીઝ કરશે નહીં જેમણે તેમના નોમિની સંબંધિત માહિતી આપી નથી.


આ ઉપરાંત ફિઝિકલ રૂપમાં સિક્યોરિટીઝ રાખનારા રોકાણકારો હવે ડિવિડન્ડ, વ્યાજ અથવા સિક્યોરિટીઝનું રિડેમ્પશન જેવી કોઈપણ ચુકવણી મેળવવા માટે પાત્ર બનશે. વધુમાં રોકાણકારો ‘નોમિનેશનનો વિકલ્પ’ પસંદ ન કરે તો પણ તેઓ ફરિયાદ નોંધવા અથવા રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ (આરટીએ) પાસેથી કોઈપણ સેવાની વિનંતી કરવા માટે હકદાર હશે.


જો નોમિનેશન ન આપ્યું હોય તો ખાતાઓમાંથી ઉપાડ પર પ્રતિબંધ મુકાતો હતો


અગાઉ, સેબીએ તમામ વર્તમાન વ્યક્તિગત મ્યુચ્યુઅલ ફંડ ધારકો માટે નોમિની વિગતો સબમિટ કરવા અથવા નોમિનેશનમાંથી બહાર નીકળવા માટે 30 જૂનની અંતિમ તારીખ નક્કી કરી હતી. જો નિયમોનું પાલન કરવામાં ન આવ્યું હોય તો તેમના ખાતામાંથી રૂપિયા ઉપાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકતો હતો. જો કે, સેબીએ સોમવારે જાહેર કરેલા એક પરિપત્રમાં જણાવ્યું હતું કે રોકાણકારોની સરળતા અને અનુપાલનને ધ્યાનમાં રાખીને વર્તમાન રોકાણકારો અથવા યુનિટધારકોને 'નોમિનેશન વિકલ્પ' ન આપવા માટે મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ નહી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


નવા રોકાણકારો માટે વ્યવસ્થા ચાલુ રહેશે


માર્કેટ રેગ્યુલેટરે જણાવ્યું હતું કે લિસ્ટેડ કંપનીઓ અથવા આરટીએ દ્વારા 'નોમિનેશન ઓપ્શન' ન આપવાને કારણે હાલમાં જે પેમેન્ટ રોકી દેવામાં આવ્યા હતા, તે પણ હવે સેટલ થઈ શકે છે. આ સાથે સેબીએ સ્પષ્ટ કર્યું કે ડિમેટ એકાઉન્ટ/મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો માટે તમામ નવા રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ધારકોને ફરજિયાતપણે 'નોમિનેશનનો વિકલ્પ' આપવાની સિસ્ટમ ચાલુ રહેશે.


સેબીએ ફોર્મેટ બહાર પાડ્યું


નિયમનકારે ડિપોઝિટરી સહભાગીઓ, AMCs અથવા RTAs ને ડિમેટ ખાતા ધારકો અથવા મ્યુચ્યુઅલ ફંડ યુનિટધારકોને ઇમેઇલ અને SMS દ્વારા પખવાડિયાના ધોરણે મેસેજ મોકલીને 'નોમિનેશનનો વિકલ્પ' અપડેટ કરવા પ્રોત્સાહિત કરવા જણાવ્યું છે. રેગ્યુલેટરને અપડેટ કરવા માટે નોમિનીનું નામ, નોમિનીનો હિસ્સો અને અરજદાર સાથેના સંબંધનો ઉલ્લેખ કરવાનો રહેશે. સેબીએ ડિમેટ એકાઉન્ટ્સ અને એમએફ ફોલિયોમાં નોમિનેશન અને નોમિનેશનમાંથી બહાર નીકળવાનો વિકલ્પ આપવા માટે એક ફોર્મેટ પણ જાહેર કર્યું છે.