અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) અમેરિકા અને જાપાન વચ્ચે 'અત્યાર સુધીની સૌથી મોટી ટ્રેડ ડીલ'ની જાહેરાત કરી છે. આ કરારમાં કુલ 550 બિલિયન ડોલરનું જાપાની રોકાણ અને 15 ટકા પારસ્પરિક ટેરિફનો સમાવેશ થાય છે. ટ્રમ્પે કહ્યું હતું કે, "આ કરાર લાખો નોકરીઓનું સર્જન કરશે, જે પહેલાં ક્યારેય થયું નથી." તેમણે દાવો કર્યો હતો કે આમાંથી 90 ટકા નફો અમેરિકાને મળશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે આ કરારથી વેપાર સંબંધિત અવરોધો પણ દૂર થયા છે, જે અમેરિકાને કાર, ટ્રક, ચોખા અને અન્ય કૃષિ ઉત્પાદનો માટે જાપાની બજારોમાં વધુ સારી પહોંચ આપશે. આ સાથે જાપાન 15 ટકા પારસ્પરિક ટેરિફ લાદવા સહમત થયુ છે. જે ટ્રમ્પની લાંબા સમયથી માંગ રહી છે. ટ્રમ્પે કહ્યું હતું કે, "જાપાન અમેરિકાને 15 ટકા પારસ્પરિક ટેરિફ આપશે. આ અમેરિકા માટે ખૂબ જ રોમાંચક સમય છે."
ટ્રમ્પે એ પણ ભાર મૂક્યો કે આ કરાર 'મારા નિર્દેશો પર' કરવામાં આવ્યો હતો, જેણે આ સોદા પરની વાટાઘાટોમાં તેમની સક્રિય ભૂમિકાને વધુ મજબૂત બનાવી. તેમણે કહ્યું કે જાપાન મારા નિર્દેશ પર અમેરિકામાં 550 અબજ ડોલરનું રોકાણ કરશે.
જાપાન સાથેના કરારની આ જાહેરાત ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા તેના 'અમેરિકા ફર્સ્ટ' આર્થિક એજન્ડા હેઠળ આક્રમક દ્વિપક્ષીય વેપાર શરતોને આગળ ધપાવવાનું બીજું ઉદાહરણ છે. ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે, "કદાચ સૌથી મોટી વાત એ છે કે જાપાનનું બજાર અમેરિકા માટે ઓપન થશે. જાપાન સાથેના અમારા સંબંધો હંમેશા સારા રહેશે."
ટ્રમ્પે જાપાન વિશે આ કહ્યું હતું
તાજેતરના ભૂતકાળમાં બંને દેશો વચ્ચે વેપાર કરાર સુધી પહોંચવામાં મુશ્કેલીઓ આવી હતી. જૂનમાં જ્યારે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું જાપાન સાથે કરાર શક્ય છે ત્યારે તેમણે કહ્યું હતું કે, "તેઓ મુશ્કેલ છે, જાપાનીઓ કઠોર છે. ટ્રમ્પે કહ્યું કે પરિસ્થિતિમાં સુધારો થયો છે. જાપાન સાથેના અમારા સંબંધો હંમેશા સારા રહેશે.
વેપાર કરાર દરમિયાન એક મુખ્ય મુદ્દો ચોખાનો હતો. ટ્રમ્પે જાપાનની ટીકા કરી હતી કે જાપાન પાસે ચોખાની ભારે અછત હોવા છતાં તેણે અમેરિકન ચોખા ન ખરીદ્યા. યુએસ ડેટા દર્શાવે છે કે જાપાને 2023માં 298 મિલિયન ડોલરના યુએસ ચોખા અને આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન 114 મિલિયન ડોલરના ચોખા ખરીદ્યા હતા.