Sensex New Record: ગુરુવારે 23 મેના રોજ સેન્સેક્સ અને નિફ્ટીએ નવો ઈતિહાસ રચ્યો હતો. સેન્સેક્સે 1.6 ટકાની છલાંગ લગાવીને 75,499.91 પોઈન્ટની નવી ટોચને સ્પર્શ કર્યો હતો જ્યારે નિફ્ટીએ 22,993.60 નો નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડબ્રેક ઉછાળાને કારણે શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં આજે એક જ ઝાટકે 4.15 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.


BSE સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યો હતો, જ્યારે BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ પણ પ્રથમ વખત 420 લાખ કરોડને પાર કરી ગયું હતું. બેન્કિંગ સેક્ટરના શેરની જોરશોરથી ખરીદીને કારણે બજારનું સેન્ટિમેન્ટ હાઇ જોવા મળ્યું હતું.  મિડકેપ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ પણ નવી લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ લગભગ 1200 પોઈન્ટના ઉછાળા સાથે 75,418 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 370 પોઈન્ટના ઉછાળા સાથે 22,968 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.


માર્કેટ કેપ 420 લાખ કરોડ રૂપિયાને પાર


શેરબજારમાં આવેલી આ ઐતિહાસિક તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં ભારે વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય 420.09 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 415.94 લાખ કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં 4.15 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.


શેરબજારમાં ઉછાળાનું મુખ્ય કારણ બેન્કિંગ શેરોમાં ખરીદી રહી છે. સરકારી અને ખાનગી બંન્ને બેન્કોના શેરમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 986 પોઈન્ટ અથવા 2.06 ટકાના ઉછાળા સાથે 48,768 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી ઓટોમાં 525 પોઈન્ટ અને નિફ્ટી આઈટીમાં 429 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં પણ જોરદાર ખરીદી જોવા મળી છે.


સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેર તેજી સાથે અને ત્રણ ઘટીને  બંધ થયા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરે સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ લેવલ સુધી પહોંચવામાં ફાળો આપ્યો છે જે 3.51 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાય L&T 3.38 ટકા, એક્સિસ બેન્ક 3.30 ટકા, મારુતિ સુઝુકી 2.82 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.72 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 2.29 ટકા, HDFC બેન્ક 2.22 ટકા, ભારતી એરટેલ 2.04 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ઘટતા શેરોમાં સન ફાર્મા 2.94 ટકાના ઘટાડા સાથે, પાવર ગ્રીડ 1.86 ટકાના ઘટાડા સાથે, NTPC 0.43 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.