Share Market Closing on 23rd October 2023: સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં જોરદાર કડાકો બોલાયો છે, વૈશ્વિક દબાણના કારણે આજે શેર બજારમાં મુખ્ય સૂચકાંકો દિવસ દરમિયાન નીચા રહ્યાં હતા, અને કારોબાર શુષ્ક રહ્યાં હતા. સોમવારે સવારથી જ માર્કેટમાં કોહરામ મચી ગયો હતો અને દિવસના અંતે માર્કેટ 800થી પણ વધુ પૉઇન્ટ નીચે બંધ રહ્યું હતુ. આજે શેર બજારમાં બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 1.26 ટકાના ઘટાડા સાથે 825.74 પૉઇન્ટ નીચે પટકાયો અને 64,571.88ના સ્તરે બંધ રહ્યો હતો, તો વળી, એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી પણ લૉ રહ્યો, આજે નિફ્ટી 0.34 ટકાના ઘટાડા સાથે 260.90ની નીચે રહ્યો અને 17,281.75ના સ્તરે બંધ થયો હતો. આમ આજે માર્કેટમાં કોહરામ મચી ગયો હતો. આ ઉપરાંત અન્ય ઇન્ડેક્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપ, સ્મૉલકેપના રોકાણકારોને પણ નુકસાન થયુ હતું.  


મિડકેપ ઇન્ડેક્સ 1060 અને સેન્સેક્સ 826 પૉઇન્ટ તુટ્યો, રોકાણકારોના 8 લાખ કરોડ ધોવાયા 
આજનો ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે બ્લેક મન્ડે સાબિત થયો છે. વિદેશી રોકાણકારોની ભારે વેચવાલીથી બજારમાં મોટો ઘટાડો થયો છે. આ સતત ચોથું સત્ર છે જ્યારે બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 800 પોઈન્ટ, નિફ્ટી 250 પોઈન્ટથી વધુ અને મિડ કેપ શેરોના ઈન્ડેક્સમાં 1,000 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. સેન્સેક્સ 65,000ની નીચે સરકી ગયો છે. સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 464 અથવા 3.59 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 826 પોઈન્ટના ઘટાડા સાથે 64,572 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 261 પોઈન્ટના ઘટાડા સાથે 19,282 પોઈન્ટ પર બંધ થયો હતો.


સેક્ટૉરિયલ સ્થિતિ 
આજના કારોબારમાં તમામ સેક્ટરના શેરો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. આઈટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ જેવા સેક્ટરના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં સૌથી મોટો ઘટાડો મિડ કેપ શેર્સમાં જોવા મળ્યો હતો. નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ 1100 પોઈન્ટથી વધુ લપસી ગયો. સ્મોલ કેપ ઈન્ડેક્સમાં 500 પોઈન્ટનો ઘટાડો થયો છે.


નિફ્ટીમાં માત્ર 2 શેર જ વધારા સાથે બંધ થયા 
આજના કારોબારમાં 3990 શેરોમાંથી 3188 શેરો ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે 644 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. 158 શેરના દરમાં કોઈ ફેરફાર થયો નથી. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 4 શેરો વધ્યા હતા જ્યારે 26 ઘટ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅરમાંથી 2 શૅર લાભ સાથે જ્યારે 48 શૅર નુકસાન સાથે બંધ થયા હતા.


ચઢતા -ઉતરતા શેરો 
આજના કારોબારમાં ICICI બેન્ક 1.04 ટકા, બજાજ ફાઇનાન્સ 0.36 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.35 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ટાટા સ્ટીલ 2.52 ટકા, TCS 2.44 ટકા, ટાટા મોટર્સ 2.32 ટકા, વિપ્રો 2.27 ટકા, HCL ટેક 2.20 ટકા, NTPC 1.87 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.


રોકાણકારોને 8 લાખ કરોડનું નુકસાન 
આજના વેપારમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE માર્કેટ કેપ 311.30 લાખ કરોડ થયું હતું જે અગાઉના વેપારમાં 318.89 લાખ કરોડ હતું, એટલે કે આજના વેપારમાં રોકાણકારોને 7.60 લાખ કરોડનું નુકસાન થયું છે.