નવી દિલ્હીઃ કોરોના વાયરસના પ્રકોપ અને યસ બેન્ક સંકટના કારણે શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ સવારે 857 અંકોના ઘટાડા સાથે 37,613.96 પર ખુલ્લો હતો. થોડીવારમાં સેન્સેક્સમાં 1400 અંકનો કડાકો નોંધાયો હતો. સવારે 11 વાગ્યે યસ બેન્કનો શેર લગભગ 85 ટકા તૂટીને 6 રૂપિયા પહોંચી ગયો હતો.
કારોબારના અંતે સેન્સેક્સ 894 અંક ઘટીને 37,576 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 327 અંક ઘટીને 10942 પર બંધ થયો હતો. બીએસઈ પર યસ બેન્કનો શેર 55 ટકા ઘટીને 16.55 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી પર 74 ટકા ઘટ્યો હતો.
એનએસઇના લગભગ 538 શેરમાં તેજી આવી હતી. જ્યારે 1875 શેરમાં ઘટાડો નોંધાયો હતો. જે શેરમાં ઘટાડો નોંધાયો હતો તેમાં ટાટા મોટર્સ, જી એન્ટરટેઇમેન્ટ, ટાટા સ્ટીલ, એસબીઆઇ અને ઇન્ડ્સઇંડ બેન્ક સામેલ રહ્યા છે. જ્યારે વધનારા શેરમાં બજાજ ઓટો, મારુતિ સુઝુકી, ગેલ અને એશિયન પેઇન્ટ્સ સામેલ છે. નોંધનીય છે કે આરબીઆઇએ યસ બેન્ક પર કડક કાર્યવાહી કરતા એક મહિનામાં 50 હજાર રૂપિયા ઉપાડવાના નિયંત્રણ મુક્યા હતા.