નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ પ્રાઇવેટ ક્ષેત્રની યસ બેન્ક પર એક મહિનાની અંદર 50 હજાર રૂપિયા ઉપાડવાની લિમિટ લગાવતા તેના ગ્રાહકોમાં દોડધામ મચી ગઇ હતી. દેશના તમામ શહેરોમાં યસ બેન્કના એટીએમ બહાર પૈસા ઉપાડવા માટે લોકોએ લાઇનો લગાવી હતી. શુક્રવારે મુંબઇ અને અમદાવાદમાં યસ બેન્કના  ગ્રાહકો પરેશાન જોવા મળ્યા હતા. તેઓ સવારે સવારે એટીએમ પહોંચ્યા પરંતુ તેઓ નિરાશ થયા હતા.


આ વચ્ચે યસ બેન્ક સંકટ પર કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે યસ બેન્કના ગ્રાહકોને વિશ્વાસ અપાવ્યો હતો કે તેમના પૈસા  ડૂબવા નહી દઇએ. બેન્કના ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે. ગ્રાહકોને ચિંતિત થવાની જરૂર નથી. રિઝર્વ બેન્કના અધિકારીઓ સમાધાન કાઢવા માટે મહેનત કરી રહ્યા છીએ.


છેલ્લા કેટલાક મહિનાથી અમે તમામ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. એટીએમમાંથી રોકડા ઉપાડવાની લિમિટ નક્કી કરવા પર સીતારમણે કહ્યુ કે હું તમને જણાવી દઉં કે સ્વાસ્થ્ય, લગ્ન અને અન્ય ઇમરજન્સી માટે વધારાની રકમની જરૂરિયાતને પુરી કરવા માટે પગલા લેવામાં આવ્યા છે.