Silver Price Hike: ચાંદીની ચમક આવનારા દિવસોમાં વધુ વધી શકે છે. જલદી જ ચાંદીની કિંમત એક લાખ રૂપિયાને પાર કરીને 1.25 લાખ રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. ચાંદીની કિંમતોને લઈને મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસે તેના રિપોર્ટમાં મોટી આગાહી કરી છે. તેના રિપોર્ટમાં બ્રોકરેજ હાઉસે રોકાણકારોને કિંમતોમાં આવનારા ઘટાડા પર ચાંદી ખરીદવાની સલાહ આપી છે.


1.25 લાખ રૂપિયા સુધી જશે ચાંદી!


મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસિસે ચાંદી અંગે ત્રિમાસિક રિપોર્ટ જારી કર્યો છે જેમાં રોકાણકારોને ઘટાડા પર ચાંદી ખરીદવાની સલાહ આપવામાં આવી છે. રિપોર્ટમાં બ્રોકરેજ હાઉસે ચાંદીની કિંમતો અંગે તેના જૂના ટારગેટ પ્રાઇસને રિવાઇઝ કર્યું છે. મોતીલાલ ઓસવાલે ચાંદી પર તેના જૂના ટારગેટ પ્રાઇસને 1 લાખ રૂપિયાથી વધારીને 1,25,000 રૂપિયા પ્રતિ કિલો કર્યું છે જ્યારે કોમેક્સ પર 40 ડોલર પ્રતિ આઉન્સનું ટારગેટ આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં બ્રોકરેજ હાઉસે કહ્યું કે 12થી 15 મહિનામાં આ ટારગેટ હાંસલ થઈ શકે છે.


ઘટાડા પર ચાંદી ખરીદવાની સલાહ


બ્રોકરેજ હાઉસના રિસર્ચ નોટ મુજબ તાજેતરના મહિનાઓમાં ચાંદીની કિંમતોમાં 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે જેના કારણે કેટલાક અંતરાલે નફાખોરી જોવા મળી શકે છે. જોકે, ચાંદીમાં આવનારા કોઈપણ ઘટાડાને ખરીદવાના અવસર તરીકે ઉપયોગ કરવો જોઈએ. બ્રોકરેજ હાઉસે કહ્યું કે 86,000   86,500 રૂપિયા ચાંદી માટે મુખ્ય સપોર્ટ લેવલ છે.


કેમ આવશે કિંમતોમાં તેજી?


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાંદી સ્લો મૂવરના ટેગમાંથી બહાર આવી ગઈ છે અને આ વર્ષે કિંમતોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. સોના અને ચાંદી વચ્ચેની રેસમાં ચાંદી જીતના આરે છે. ફેડ તરફથી વ્યાજ દરોમાં ઘટાડાના નિર્ણયની રોકાણકારો રાહ જોઈ રહ્યા છે. અમેરિકામાં નબળા આર્થિક ડેટાથી મેટલ્સને સપોર્ટ મળી રહ્યો છે. સપ્ટેમ્બરની ફેડ મીટિંગમાં 70 ટકા વ્યાજદર કાપની સંભાવના છે. તો વૈશ્વિક તણાવને કારણે પણ આંચકા લાગી રહ્યા છે. 2024માં ચાંદીની ઘરેલુ આયાત વધી છે અને 4000 ટન પર પહોંચી ગઈ છે. ETFમાં ફ્લો સામાન્ય છે પણ લોકો ધડાધડ ખરીદી કરી રહ્યા છે. સિલ્વર ઇન્સ્ટિટ્યૂટનું માનવું છે કે ચાંદીની સપ્લાય ડિમાન્ડ કરતાં ઓછી રહી શકે છે. અને ચીનમાં આર્થિક વિકાસ ઝડપી થવાથી ઔદ્યોગિક ધાતુઓની માંગ વધવાથી ચાંદીની કિંમતોમાં તેજી આવી શકે છે.