નવી દિલ્હીઃ એટીએમથી છેતરપિંડી સતત વધી રહી છે જેના કારણે ગ્રાહકો તેમજ બેંકો પરેશાન છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે, દિલ્હી રાજ્ય કક્ષાની બેંકર્સ કમિટીએ બેંકોને સૂચન કર્યું છે કે એટીએમમાંથી પૈસા ઉપાડવાની વચ્ચે 6 થી12 કલાકનો સમય હોવો જોઇએ, એટલે કે, એક વખત એટીએમમાંથી ઓછામાં ઓછા 6 કલાક બાદ જ કોઇ બીજી વખત પૈસા ઉપાડી શકે.


દિલ્હી SLBCના સંયોજક અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના MD-CEO મુકેશ કુમાર જૈને કહ્યું કે, ‘ATMથી થતી મોટાભાગની છેતરપીંડિ રાતના સમયે એટલે અડધી રાતથી લઈને વહેલી સવાર સુધીમાં થાય છે. તેવામાં ATMથી લેણદેણ મામલે એક નિયમ હોવો જોઈએ જે ફ્રોડને રોકવામાં મદદરુપ થશે.’ આ યોજના અંગે ગત સપ્તાહમાં 18 બેંકોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.

2018-19 દરમિયાન દિલ્હીમાં 179 એટીએમ છેતરપિંડી કેસ નોંધાયા હતા, જ્યારે મહારાષ્ટ્રમાં 233 કેસ. તાજેતરનાં મહિનાઓમાં વિદેશી નાગરિકોની સંખ્યામાં વધારો સાથે કાર્ડ ક્લોનિંગના કેસો વધી રહ્યા છે.

જૈને કહ્યું કે, ‘બેંકર્સે બીજા પણ કેટલાક સૂચનો કર્યા છે. જેનાથી છેતરપીંડી અને ખોટી રીતે રુપિયાના ઉપાડથી બચવા માટે એકાઉન્ટ હોલ્ડર્સને OTP મોકલવામં આવે. આ સિસ્ટમ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા થતા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન જેવી જ છે. આ ઉપરાંત બેંકર્સે ATM માટે સેન્ટ્રલાઇઝ્ડ મોનિટરિંગ સિસ્ટમ અંગે પણ વાત કરી છે. જે OBC, SBI, PNB, IDBI અને કેરના બેંક પહેલાથી જ લાગુ કરી દેવામાં આવી છે.’