હિંદુસ્તાન યૂનિલીવરે એક નિવેદનમાં કહ્યું હતું કે કંપની સાર્વજનિક હિતમાં લાઇફબોય સેનિટાઇઝર, લાઇફબોય લિક્વિડ હેન્ડવોશ અને ડોમેક્સ ફ્લોર ક્લીનરની કિંમતમાં 15 ટકા ઘટાડો કરવા જઇ રહી છે. કંપનીએ કહ્યું કે, અમે ઘટેલી કિંમતોની પ્રોડક્ટનું ઉત્પાદન તરત કરવા જઇ રહ્યા છીએ. આગામી કેટલાક સપ્તાહથી આ બજારમાં ઉપલબ્ધ થશે. કંપનીએ કહ્યું કે, તે આગામી કેટલાક મહિનામાં બે કરોડ લાઇફબોય સાબુનું વિતરણ કરશે. કંપનીના ચેરમેન સંજીવ મહેતાએ કહ્યું કે, આ પ્રકારના સંકટમાં કંપનીઓએ મોટી ભૂમિકા નિભાવવાની છે.
તેમણે કહ્યું કે, અમે સરકારો અને પોતાના ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ જેથી આપણે સાથે મળીને આ વૈશ્વિક સંકટનો સામનો કરી શકીએ. આ રીતે યોગગુરુ રામદેવની કંપની પતંજલિ આયુર્વેદે પણ એલોવીરા અને હળદર-ચંદન સાબુની કિંમતમાં 12.5 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીના પ્રવક્તા એસ.કે. તિજારાવાલાએ કહ્યું કે, સ્વામી રામદેવે સામાન્ય લોકોની સમસ્યાઓને જોતા કોરોના વાયરસના યુદ્ધમાં તેમની મદદ કરવા કિંમતો ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
ગોદરેજ કંપનીએ પણ કહ્યું કે, તેમણે કાચી સામગ્રીઓની કિંમતમાં થયેલા વધારાનો બોજ ગ્રાહકો પર ન નાખવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે કોરોના વાયરસના સંકટમાં લોકો ગભરાઇને સાફ-સફાઇ સાથે જોડાયેલા સામાનની ખરીદી કરી રહ્યા છે.