સોલર મોડ્યૂલ બનાવતી ગુજરાતી કંપની સોલેક્સ એનર્જી મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવા અને સોલર સેલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પ્રવેશ કરવા માટે વર્ષ 2030 સુધીમાં 8,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ સોમવારે આની જાહેરાત કરતાં પોતાની યોજનાની માહિતી શેર કરી. કંપનીએ કહ્યું કે તે 24,000થી વધુ લોકોને નોકરી પણ આપશે.


ગુજરાતની કંપની સોલેક્સ એનર્જીએ તેની વિસ્તરણ યોજના હેઠળ 2030 સુધીમાં મોડ્યૂલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને હાલના 1.5 ગીગાવોટથી વધારીને 15 ગીગાવોટ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. આની સાથે કંપનીએ બે ગીગાવોટની પ્રારંભિક ક્ષમતા સાથે સોલર સેલ બનાવતા પ્લાન્ટ લગાવવાની પણ યોજના બનાવી છે.


સોલેક્સ એનર્જીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ચેતન શાહે કહ્યું, "અમે 'વિઝન 2030' હેઠળ મોડ્યૂલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારીને 15 ગીગાવોટ કરવા અને સોલર સેલ બનાવવાના ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે 2030 સુધીમાં 8,000 કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. આ વિસ્તરણ યોજના હેઠળ 24,000થી વધુ લોકોને નોકરી આપવામાં આવશે. હાલમાં કંપનીના કર્મચારીઓની સંખ્યા 600થી વધુ છે. અમે તેને વધારીને 2025 માર્ચ સુધીમાં 1,000 અને 2030 સુધીમાં 25,000 કરીશું." શાહે કહ્યું કે સોલર સેક્ટરમાં તાલીમબદ્ધ કાર્યબળની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કંપની સ્થાનિક લોકોને કુશળ બનાવવા પર ભાર આપશે.


ચેતન શાહે કહ્યું, "કંપનીના વિસ્તરણ માટે રોકાણ કરવામાં આવનાર રકમ દેવા અને ઇક્વિટી દ્વારા એકત્રિત કરવામાં આવશે. આમાં ઇક્વિટી હિસ્સો વધારે રહેશે. અમે સંયુક્ત સાહસ દ્વારા પણ ભંડોળ એકત્રિત કરી શકીએ છીએ. ભંડોળ એકત્રિત કરવા અંગે અમારી વાતચીત ચાલુ છે અને આ અંગે જલ્દી જ જાહેરાત કરવામાં આવશે." ગુજરાતની કંપનીએ આ પ્રસંગે લંબચોરસ સેલ આધારિત સોલર મોડ્યૂલ (પેનલ) પણ રજૂ કર્યું. કંપનીનો દાવો છે કે આ 'એન ટાઇપ ટોપકોન' ટેકનોલોજી પર આધારિત દેશનું પ્રથમ લંબચોરસ સેલ આધારિત સોલર મોડ્યૂલ છે. કંપની તેને 'તાપી આર' બ્રાન્ડ હેઠળ વેચશે.


કંપની સુરત, ગુજરાતમાં સોલાર મોડ્યુલ બનાવવાની મોટી ફેક્ટરી ધરાવે છે. આ ઉપરાંત, કંપની તેની વિસ્તરણ યોજનાના ભાગરૂપે સોલાર સેલ બનાવવા માટે મધ્યપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુ જેવા રાજ્યોમાં ફેક્ટરીઓ સ્થાપવાની શક્યતાઓ શોધી રહી છે.


એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે 2023-24માં કંપનીની આવક રૂ. 363 કરોડ હતી, જે આવતા વર્ષે વધીને રૂ. 800 કરોડ થવાની ધારણા છે.


આ પણ વાંચોઃ


કિસમિસ ખાવાથી યુરિક એસિડ વધે કે ઘટે?