Term Insurance : છેલ્લા કેટલાક વર્ષોમાં, જીવન વીમા પૉલિસી ખરીદવા વિશે લોકોમાં ઘણી જાગૃતિ આવી છે. ટર્મ ઈન્સ્યોરન્સ એ જીવન વીમા પોલિસીનો એક ભાગ છે જે મૃત્યુના કિસ્સામાં પોલિસીધારકના પરિવારને મોટું વીમા કવર આપવામાં મદદ કરે છે.


આજના અનિશ્ચિતતાના સમયમાં જો ઘરના મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થાય તો આવી સ્થિતિમાં પરિવારના આશ્રિતોને ટર્મ ઈન્સ્યોરન્સ દ્વારા આર્થિક મદદ મળે છે. જો તમારી પાસે કૌટુંબિક જવાબદારીઓ અને વિવિધ નાણાકીય જવાબદારીઓ હોય તો ટર્મ ઈન્સ્યોરન્સ લેવો એ એક સમજદાર પગલું બની  શકે છે.


આજકાલ માર્કેટમાં આવી ઘણી વીમા કંપનીઓ છે જે ટર્મ ઈન્સ્યોરન્સ પોલિસી વેચે છે. પરંતુ ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.આનાથી તમને ટર્મ ઈન્સ્યોરન્સનો સંપૂર્ણ લાભ મળશે અને તે તમારી તમામ જરૂરિયાતો પૂરી કરશે.


વાર્ષિક આવકના 9 થી 10 ગણો હોવો જોઈએ
ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદતી વખતે તમારા પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખવું અગત્યનું છે. વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદો. એવું ઘણી વખત જોવામાં આવ્યું છે કે લોકો ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદે છે પરંતુ, તે તેમની જરૂરિયાતો અનુસાર પૂરતો નથી. નાણાકીય નિષ્ણાતોના મતે ટર્મ ઈન્સ્યોરન્સ તમારી વાર્ષિક આવકના ઓછામાં ઓછા 9 થી 10 ગણો હોવો જોઈએ.


નાની ઉંમરે પોલિસી લો 
આ સાથે પોલિસી ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે પોલિસી ખરીદતી વખતે તમારી ઉંમર કેટલી છે. જો તમે નાની ઉંમરે પોલિસી ખરીદો છો, તો તેનો કાર્યકાળ લાંબો રાખો.


આરોગ્ય સંબંધિત બધી જ જાણકારી આપો 
ટર્મ ઈન્સ્યોરન્સ લેતી વખતે લોકો જે સામાન્ય ભૂલો કરે છે તેમાંની એક એ છે કે તેઓ તેમની બીમારી વિશે માહિતી આપતા નથી. આવું કરવાથી બચો. જો તમે પહેલાથી જ આરોગ્ય સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાથી પરેશાન છો, તો વીમા કંપનીને અગાઉથી જાણ કરો. આ સાથે તમારે પછીથી ક્લેમ લેતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.


કઈ કંપનીની પોલિસી લેવી? 
ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદતી વખતે તમારે માત્ર તે જ કંપની પસંદ કરવી જોઈએ, જેનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો વધારે હોય. આના કારણે તમારા પરિવારને પછીથી કોઈ અપ્રિય ઘટનાના કિસ્સામાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.