નવી દિલ્હીઃ નીરવ મોદીની ધરપકડ બાદ મોદી સરકારને વધુ એક સફળતા મળી છે. 5000 કરોડ રૂપિયાના કૌભાંડી અને ભાગેડુ હિતેશ પટેલની અલ્બાનિયામાં ધરપકડ કરવામાં આવી છે. હિતેશ પટેલની ઇન્ટરપોલની નોટિસ બાદ ધરપકડ કરવામાં આવી છે. ઈડીના આધિકારીઓએ આ જાણકારી આપી છે. ઈડીએ દીપ્તિ ચેતન સાંદેસરા અને હિતેશ કુમાર પટેલ વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ જારી કર્યું હતું.

ઈડી અનુસાર, હિતેશ પટેલનું ટૂંકમાં જ ભારત પ્રત્યર્પણ કરવામાં આવશે. તેના પર 5000 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો આરોપ છે. આ આરોપી વિરૂદ્ધ 11 માર્ચના રોજ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. હિતેશ પટેલની 20 માર્ચના રોજ નેશનલ ક્રાઈમ બ્યૂરો તિરાનાએ આલ્બાનિયામાં ધરપકડ કરી હતી.

ઇન્ટરપોલે નિતિન અને ચેતન સાંદેસરાના સાળા વિરદ્ધ નોટિસ જારી કરી હતી. પટેલ પર ડમી કંપનીઓ દ્વારા રૂપિયા મેળવવાનો આરોપ હતો. તે અને સાંદેસરા 2017માં ભાગી ગયા હતા. સીબીઆઈએ તેની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. ઈડીએ આ મામલે અત્યાર સુધી 4700 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. તેમાં સ્ટર્લિંગ બાયોટેક, પીએમટી મશીન, સ્ટર્લિંગ પોર્ટ, સ્ટર્લિંગ એસઈઝેડ જેવી કંપનીઓની પ્રોપર્ટી છે. ઈડીને હાલમાં જ દિલ્હીની કોર્ટે પ્રત્યર્પણ અરજી મોકલવાની મંજૂરી આપી હતી.