Stock Market After Hindenburg: હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદ આજે સોમવાર 12મી ઓગસ્ટે શેરબજાર સામાન્ય ઘટાડા સાથે ઓપન થયું છે. શેરબજારમાં તાત્કાલિક મોટો ઘટાડો જોવા મળી રહ્યો નથી અને બજાર નજીવા ઘટાડા સાથે ખુલ્યું છે. ઓલા ઇલેક્ટ્રિકના રોકાણકારો માટે તેજી જોવા મળી રહી છે.






કેવી રીતે ઓપન થયો?


શેરબજારમાં આજે ઘટાડાનો ડર હતો અને સ્થાનિક શેરબજારની શરૂઆત લાલ નિશાનમાં થઈ છે. BSE સેન્સેક્સ 375.79 પોઈન્ટ અથવા 0.47 ટકાના ઘટાડા સાથે 79,330.12 પર ખુલ્યો હતો.  NSE નો નિફ્ટી 47.45 પોઈન્ટ અથવા 0.19 ટકાના ઘટાડા સાથે 24,320.05 પર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ શરૂઆતની મિનિટોમાં અદાણીના શેરમાં 2 થી 2.5 ટકાની નબળાઈ જોવા મળી હતી.


સેન્સેક્સ શેરોની સ્થિતિ


BSE સેન્સેક્સમાં 30 માંથી 23 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યા છે જ્યારે સાત શેરમાં તેજી જોવા મળી રહી છે. જેમ આશંકા હતી તેમ થયું છે અને હિંડનબર્ગના રિપોર્ટ બાદ આજે અદાણીના શેરમાં ઘટાડો થયો છે. અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ ઘટાડો અદાણી ટોટલ ગેસ અને અદાણી પાવરમાં છે. કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ સિવાય નિફ્ટીના તમામ સેક્સર્ટના ઇન્ડેક્સ રેડમાં છે. મિડકેપ અને સ્મોલકેપ શેરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.


બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 2.26 લાખ કરોડનો ઘટાડો થયો છે એટલે કે રોકાણકારોની સંપત્તિમાં 2.26 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર શેરબજાર ખુલતાની સાથે જ તે 3 ટકાથી વધુ તૂટ્યો હતો. અદાણી ગ્રીનના શેર પણ 3 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. અદાણી પોર્ટ્સના શેરમાં પણ 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. અદાણી પાવરના શેરમાં સૌથી વધુ 7 ટકાનો ઘટાડો થયો છે.


વાસ્તવમાં, હિંડનબર્ગે સેબી ચીફ માધાબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચનો અદાણી ગ્રુપના વિદેશી ફંડમાં હિસ્સો હોવાનો આક્ષેપ કર્યો છે. ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીની જેમ જ દંપતીએ પણ જટિલ માળખાનો ઉપયોગ કરીને ફંડમાં નાણાંનું રોકાણ કર્યું હતું. જો કે માધબી પુરી બુચ અને તેના પતિ ધવલ બુચે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.