Stock Market Closing, 12th December 2022: સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યો. દિવસના અંતે સેન્સેક્સ 51.1 પોઇન્ટના ઘટાડા સાથે 61230.75 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 0.55 પોઇન્ટ વધારા સાથે 18497.15 પર બંધ રહી હતી.


નિફ્ટીમાં સમાવિષ્ટ કંપનીઓમાં બીપીસીએલ, ડિવિઝ લેબ, કોલ ઈન્ડિયા, યુપીએલ અને નેસ્લે ઈન્ડિયા ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેન્ક, ટાઈટન અને આઈશર મોટર્સ નુકસાન સાથે બંધ થયા હતા. આજે લિસ્ટેડ યુનિપાર્ટ્સ ઇન્ડિયાનો શેર 6.83 ટકાના ઘટાડા સાથે રૂ. 537.60 પર બંધ થયો હતો. તેની ઈશ્યૂ કિંમત પ્રતિ શેર રૂ 577 હતી.


વિદેશી રોકાણકારોએ કરી વેચવાલી


ગયા સપ્તાહે વિદેશી રોકાણકારોએ ભારે વેચવાલી કરી હતી. વિદેશી રોકાણકારોએ ગયા સપ્તાહે રૂ. 4300 કરોડનું વેચાણ કર્યું હતું. FIIએ ડિસેમ્બરમાં રૂ. 5657 કરોડનું વેચાણ કર્યું છે. તે જ સમયે, સ્થાનિક રોકાણકારોએ ખરીદી કરી છે. DIIએ રૂ. 3710 કરોડની ખરીદી કરી છે.


રૂપિયો કેટલા પર થયો બંધ


શુક્રવારના બંધ 82.27ની સામે ભારતીય રૂપિયો સોમવારે 27 પૈસા ઘટીને 82.54 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.


ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો


ભારતીય બજારો માટે સૌથી મોટો સંકેત ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડાના રૂપમાં આવ્યો છે. પાછલા સપ્તાહમાં ક્રૂડ ઓઇલ 11 ટકા ઘટીને 76.10 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. બજાર બેરલ દીઠ $70 થી $72 સુધી નીચે આવવાનો અંદાજ છે. જો  ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો ચાલુ રહેશે તો મોંઘવારી મોરચે મોટી રાહત મળી શકે છે.