Stock Market Closing, 17th January, 2024: ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ નિરાશાજનક રહ્યો. આજે સેન્સેક્સમાં વર્ષ 2024નો સૌથી મોટો કડાકો બોલ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 1628.01 પોઇન્ટના કડાકા સાથે 75,500.76 પોઇન્ટ પર, નિફ્ટી 50 460.35 પોઇન્ટના ઘટાડા સાથે 21,571.95 પોઇન્ટ પર બંધ થયા હતા. બેંક નિફ્ટી 2060.65 પોઇન્ટના કડાકા સાથે 46,064.45 પોઇન્ટ પર બંધ રહી. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 370.62 લાખ કરોડ થઈ છે, એટલે કે એક જ સત્રમાં રોકાણકારોના 433.70 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે. મંગળવારે બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ કેપ ઘટીને રૂ. 375.02 લાખ કરોડ થઈ હતી, જે સોમવારના સત્રમાં રૂ. 376.14 લાખ કરોડ હતી. મંગળવારના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.12 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા બે સત્રમાં રોકાણકારોના 5 લાખ કરોડથી વધુ ધોવાઈ ગયા છે.


આઈટી શેરો સિવાય તમામમાં ઘટાડો


સેન્સેક્સ કંપનીઓમાં માત્ર ટેક શેરોએ જ બજારને થોડો ટેકો આપ્યો હતો. HCL ટેક સૌથી વધુ 1.34 ટકા મજબૂત થયો હતો. ઈન્ફોસિસ 0.55 ટકા, ટેક મહિન્દ્રા 0.54 ટકા અને TCS 0.38 ટકા વધ્યા હતા.બીજી તરફ HDFC બેન્ક સૌથી વધુ સાડા આઠ ટકા તૂટ્યા હતા. ટાટા સ્ટીલમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.કોટક બેન્ક, એક્સિસ બેન્ક, ICAI બેન્ક, JSW સ્ટીલ અને બજાજ ફિનસર્વના શેર 2.38 ટકાથી 3.66 ટકા ઘટ્યા હતા.


નિફ્ટીમાં આવી સ્થિતિ હતી


નિફ્ટી 50 વિશે વાત કરીએ તો આ ઇન્ડેક્સ 459.20 પોઈન્ટ (2.08 ટકા) ઘટીને 21,571.95 પોઈન્ટ પર બંધ થયો હતો. નિફ્ટી ક્ષેત્રીય સૂચકાંકોમાં, નિફ્ટી બેંક અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ બંને 4.28 ટકા ઘટ્યા હતા. માત્ર નિફ્ટી આઈટીમાં 0.64 ટકાનો નજીવો વધારો થયો હતો. નિફ્ટી આઈટી અને નિફ્ટી રિયલ્ટી જેવા સેક્ટરમાં પણ 1-2 ટકાનો ઘટાડો થયો છે. નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારા શેર્સ HDFC બેન્ક, ટાટા સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ હતા, જ્યારે વધનારા શેર્સ HCL ટેક્નોલોજી, SBI લાઇફ ઇન્શ્યોરન્સ, ઇન્ફોસિસ, LTIMindtree અને TCS હતા.






શેરબજારમાં કડાકાના કારણ



  • શેરબજારમાં આજે આ ઘટાડાનું મુખ્ય કારણ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ છે. બંનેની ભૌગોલિક રાજકીય સ્થિતિ બગડવાની શક્યતાની અસર શેરબજાર પર જોવા મળી હતી. ઈરાને પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓને નિશાન બનાવ્યા છે. આ હુમલા બાદ પાકિસ્તાને તેના એરસ્પેસના ઉલ્લંઘનની નિંદા કરી છે અને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. જેની અસર શેરબજાર પર જોવા મળી રહી છે.

  • ભારતીય શેરબજારમાં તાજેતરમાં જોવા મળેલી તેજીના કારણે રોકાણકારો નફાવસૂલી કરી રહ્યા છે. જે પણ બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ છે. જોકે એનાલિસ્ટ્સનું કહેવું છે કે વેલ્યુએશનના હિસાબે ઘટાડો યોગ્ય છે અને રોકાણકારોએ દરેક ઘટાડાને ખરીદીના મોકાના રૂપમાં જોવું જોઈએ.

  • વૈશ્વિક બજારમાંથી નબળા સંકેતોની અસર બજાર પર જોવા મળી રહી છે. યુએસ ફેડ સભ્ય ક્રિસ્ટોફર વોલરે જણાવ્યું હતું કે રેટ કટમાં સમય લાગશે. જેના કારણે અમેરિકન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર એશિયાના મોટાભાગના બજારો પર પણ જોવા મળી રહી છે.