Stock Market Closing, 5th August 2024:  શ્રાવણ મહિનાના સોમવારનો દિવસ ભારતીય શેરબજારને ફળ્યો નહોતો. સતત બીજા ટ્રેડિંગ સેશનમાં માર્કેટ રોકાણકારોને ઝટકો આપ્યો હતો. વૈશ્વિક વેચવાલીના કારણે સેન્સેક્સ 2222 પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી 2.5 ટકા કડાકા સાથે 24,055 પર બંધ રહી. મિડકેપ ઈન્ડેક્સમાં 3.5 ટકાઅને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 4 ટકા ઘટાડો જોવા મળ્યો. ડોલર સામે રૂપિયો પણ 83.94 પૈસાના રેકોર્ડ સ્તરે બંધ રહ્યો. આજના કડાકા બાદ માર્કેટ કેટ ઘટીને 4.41 લાખ કરોડ થયું છે. આજના સત્રમાં રોકાણકારોના 15 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે.


શેરબજારમાં આવેલા આ ઘટાડાથી રોકાણકારોને એક જ સેશનમાં 15.50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 2222 પોઈન્ટ ઘટીને 78,759 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 662 પોઈન્ટ ઘટીને 24,055 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.




PSU શેરોમાં મજબૂત પ્રોફિટ બુકિંગ


બજારના આ ઘટાડાને કારણે ભારત ફોર્જ 6.18 ટકા, મધરસન 9.18 ટકા, LIC હાઉસિંગ ફાઇનાન્સ 8.34 ટકા, ટાટા મોટર્સ 7.31 ટકા, Mphasis 4.43 ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સ 4.19 ટકા, હિન્દુસ્તાન કોપર 6.71 ટકા, નોલ્કો 6.62 ટકા, SAIL76 ટકા, ઓએનજીસી 6.01 ટકા, જીએમઆર એરપોર્ટ 5.61 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.






વૈશ્વિક બજારોમાં પણ હાહાકાર


આજનો દિવસ છેલ્લા 57 વર્ષમાં તાઈવાનના શેરબજાર માટે સૌથી ખરાબ ટ્રેડિંગ દિવસ સાબિત થયો છે. એશિયન બજારોમાં જાપાનનું સૌથી અગ્રણી બજાર Nikkei 225 આજે 12.4 ટકાના જંગી ઘટાડા સાથે બંધ થયું હતું. 1987માં બ્લેક મન્ડે પછીનો આ સૌથી મોટો વન-ડે ઘટાડો સાબિત થયો છે. જાપાનમાં પણ 37 વર્ષનો ઘટાડાનો ઐતિહાસિક રેકોર્ડ તૂટી ગયો હતો.


શેરબજારમાં ઘટાડાનું શું છે કારણ


જ્યારે અમેરિકન બજારોમાં બેરોજગારીનો દર અને કેટલાક અન્ય આર્થિક આંકડાઓ અપેક્ષા કરતા વધુ ખરાબ હતા ત્યારે અમેરિકામાં મંદીનો ભય સમગ્ર વિશ્વ માટે ખરાબ સંકેત તરીકે આવ્યો હતો જે શુક્રવારથી શરૂ થયેલ ઘટાડાનું સુનામી આજે 'બ્લેક મન્ડે'માં ફેરવાઈ હતી. શુક્રવારથી વૈશ્વિક શેરબજારોમાં વેચવાલીનો ટ્રેન્ડ હતો, જે આજે વૈશ્વિક સેલઓફમાં પરિવર્તિત થયો હતો.