Stock Market Today: યુએસ ફેડની પોલિસી જાહેર થાય તે પહેલા બુધવારે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ છે. યુ.એસ.માં બેંકિંગ સંકટના કારણે બજારનું વલણ નકારાત્મક બન્યું છે.


NSE નિફ્ટી 50 65.6 પોઈન્ટ અથવા 0.36% ઘટીને 18,082.05 પર અને BSE સેન્સેક્સ 276.98 પોઈન્ટ્સ અથવા 0.45% ઘટીને 61,077.73 પર છે.


સેક્ટોરલ ઇન્ડેક્સમાં બેંક નિફ્ટી 189.1 પોઈન્ટ અથવા 0.44% ગગડીને 43,163 પર અને નિફ્ટી પીએસયુ બેંક 45.9 પોઈન્ટ અથવા 1.1% ઘટીને 4,138.20 પર આવી ગયો.


યુએસ ફેડની પોલિસી આજે રાત્રે જાહેર થાય તે પહેલા જ યુએસ માર્કેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મધ્યસ્થ બેંક વ્યાજ દરમાં એક ક્વાર્ટર ટકાનો વધારો કરી શકે છે.


બજારને આ વાતનો ડર


અમેરિકામાં વ્યાજદર વધવાથી વિશ્વભરના બજારો ચિંતિત છે. ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠક બાદ આજે વ્યાજ દરોની જાહેરાત થવા જઈ રહી છે અને બજારને આશંકા છે કે આ વખતે પણ વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો થઈ શકે છે. આ સિવાય યુએસ સરકાર દ્વારા લોનની ચુકવણીમાં ડિફોલ્ટનો ભય પણ બજારને પરેશાન કરી રહ્યો છે. આ જ કારણ છે કે મંગળવારે કાચા તેલની કિંમતમાં 5 ટકાનો ઘટાડો થયો હતો.


મોટી કંપનીઓની આવી હાલત


શરૂઆતના કારોબારની વાત કરીએ તો મોટી કંપનીઓના શેરમાં ભારે ઘટાડાનો ટ્રેન્ડ છે. સવારે 09:20 વાગ્યે સેન્સેક્સની 30માંથી 24 કંપનીઓના શેર લાલ નિશાનમાં હતા. શરૂઆતના કારોબારમાં માત્ર 6 કંપનીઓના શેરમાં જ નજીવો વધારો જોવા મળ્યો હતો. આઈટી શેરો અને નાણાકીય શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, ટીસીએસ, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર શરૂઆતના વેપારમાં 1-1 ટકાની આસપાસ તૂટ્યા હતા.


અમેરિકન બજારોની ચાલ કેવી રહી


શરૂઆતના કારોબારમાં અમેરિકન બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. વાસ્તવમાં ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનના નિવેદનથી રોકાણકારોની ચિંતા વધી છે જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકી સરકારના પૈસા એક મહિનામાં સમાપ્ત થઈ શકે છે. આ સાથે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વના નિર્ણય પર પણ છે. ડાઉ જોન્સ 1.08 ટકા તૂટ્યો હતો. S&P 500 1.16 ટકા અને Nasdaq Composite 1.08 ટકા ઘટ્યો હતો.


એશિયન બજારોમાં, સ્ટ્રેટ્સ ટાઇમ્સ, એસએન્ડપી/એએસએક્સ 200, હેંગસેંગ અને કોસ્પી 0.7-1 ટકા ઘટ્યા હતા. જાપાન અને ચીનમાં બજારો બંધ છે.


કોમોડિટી બજારોમાં માંગની ચિંતાને કારણે મંગળવારે 5 ટકાના ઘટાડા બાદ બ્રેન્ટ ક્રૂડ 75 ડોલર પ્રતિ બેરલ પર હતું.


યુરોપિયન બજારોની ચાલ


યુરોપિયન બજારોમાં રોકાણકારો પણ ફેડના નિર્ણય પર નજર રાખશે. ગઈકાલે અહીંના બજારોમાં તેલ અને ગેસના શેરોમાં લગભગ 4.5%ની નબળાઈ છે. રોકાણકારો પણ આ સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બેંક પર નજર રાખશે.


ગઈકાલે શેરબજારની ચાલ કેવી રહી?


ભારતીય શેરબજારમાં મંગળવારે તેજી જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે મંગળવારે સ્થાનિક શેરબજારો લીલા નિશાન પર બંધ થયા હતા. સેન્સેક્સ 242 પોઈન્ટ ઉછળ્યો હતો. તે જ સમયે, નિફ્ટીમાં 83 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ટ્રેડિંગના અંતે 18,147.65 પર બંધ થયો હતો.


FIIs-DII ના આંકડા


વિદેશી રોકાણકારો રોકડ બજારમાં સતત ખરીદી કરી રહ્યા છે. જ્યારે સ્થાનિક રોકાણકારોએ મંગળવારે રોકડ બજારમાં વેચવાલી કરી હતી. મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રોકડ બજારમાં રૂ. 7,997 કરોડના શેરની ખરીદી કરી હતી. તે જ સમયે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે રોકડ બજારમાં કુલ રૂ. 394 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.