Stock Market Today: વૈશ્વિક બજારમાં નબળા સંકેતો પગલે ભારતીય શેર બજારમાં સપાટ શરૂઆત થઈ છે. આજે બજારની નજર સવારે 10 વાગ્યા આવનાર આરબીઆઈ પોલિસી પર છે જેના લીધે ભારતીય સ્ટોક માર્કેટમાં શુષ્ક શરૂઆત થઈ છે. 


આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 62626.36ની સામે 10.84 પોઈન્ટ ઘટીને 62615.52 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18642.75ની સામે 3.90 પોઈન્ટ ઘટીને 18638.85 પર ખુલ્યો હતો.


આજે સ્ટોક માર્કેટમાં આઈટી શેર્સમાં વેચાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી પર આઈટી ઈન્ડેક્સ અડધા ટકા તૂટ્યો છે. ઓટો ઈન્ડેક્સ પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. બેંક, મેટલ, ફાર્મા, રિયલ્ટી અને એફએમસીજી ઇન્ડેક્સ લીલા નિશાનમાં દેખાઈ રહ્યા છે.


હેવીવેઈટ શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 18 શેરો લાલ નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં LT, ICICIBANK, SBI, BHARTIARTL નો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લૂઝર્સમાં NTPC, KOTAKBANK, TCS, Wipro, HCL, MARUTI, TITANનો સમાવેશ થાય છે.


6 ડિસેમ્બરે પણ બજારમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું અને તે મર્યાદિત શ્રેણીમાં આગળ વધતું જોવા મળ્યું હતું. BSE સેન્સેક્સ 208 પોઈન્ટ ઘટીને 62626 બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 58 પોઈન્ટ ઘટીને 18643ના સ્તરે બંધ રહ્યો હતો. ગઈકાલના કારોબારમાં દિગ્ગજોની સાથે નાના-મધ્યમ શેરોમાં પણ નબળાઈ જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 0.46 ટકા ઘટીને બંધ થયો હતો જ્યારે સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 0.16 ટકા ઘટીને બંધ થયો હતો.


યુએસ બજારોમાં થોડો ઘટાડો


યુએસ બજારોમાં ગઈકાલે ઘટાડો જોવા મળ્યો હતો અને ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 350 પોઈન્ટ અથવા 1.03 ટકા ઘટીને 33,596.30 પર બંધ થયો હતો. નાસ્ડેક કમ્પોઝિટ ઈન્ડેક્સમાં 225 પોઈન્ટ એટલે કે 2 ટકાના ઘટાડા સાથે 11,014.90 ના સ્તર પર લાલ નિશાન સાથે ટ્રેડિંગ બંધ થયું છે. S&P 500 ઈન્ડેક્સ 57.58 પોઈન્ટ અથવા 1.44 ટકાના ઘટાડા સાથે 3941.26 ના સ્તર પર બંધ થયો.


એશિયન સ્ટોક માર્કેટમાં ઘટાડો


એશિયા-પેસિફિકમાં શેરો બુધવારે ઘટ્યા હતા. જાપાનમાં નિક્કી 225 શરૂઆતના વેપારમાં 0.69 ટકા નીચે હતો અને ટોપિક્સ પણ 0.17 ટકા ઘટ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.47 ટકા તૂટ્યો. જાપાનની બહાર એશિયા-પેસિફિક શેરનો MSCIનો વ્યાપક સૂચકાંક 0.28 ટકા ઘટ્યો. ઓસ્ટ્રેલિયામાં, S&P/ASX 200 0.86 ટકા ઘટ્યો કારણ કે ત્રીજા ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થા 0.6 ટકા વધી હતી.


ક્રૂડ ઓઈલની કિંમત 80 ડોલરની નીચે આવી ગઈ છે


એશિયન માર્કેટ પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. જાપાનનો નિક્કી 0.75 ટકા અને કોરિયાનો કોસ્પી 0.41 ટકા ડાઉન છે. ડૉલર ઈન્ડેક્સ અત્યારે 105.51 ના સ્તર પર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 80 ડોલરની નીચે આવી ગઈ છે.


ડૉલર વિરૂદ્ધ રૂપિયો: રૂપિયો એક મહિનાની નીચી સપાટીએ


મંગળવારે ડોલર સામે રૂપિયામાં 1 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. રૂપિયો 82.61ની એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રૂપિયામાં 68 પૈસાનો જંગી ઘટાડો નોંધાયો હતો. ડૉલર ઇન્ડેક્સ ફરી 105.5 થી આગળ છે. આગામી સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠક છે. માનવામાં આવે છે કે તે વ્યાજ દરમાં મોટો વધારો કરશે.