Stock Market Opening: શેરબજાર આજે જોરદાર ઘટાડા સાથે ખુલ્યું છે અને બજારમાં હાહાકાર મચી ગયો છે. ચારેય બાજુની વેચવાલીથી બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 650 પોઈન્ટ તૂટી ગયો છે. બીજી તરફ, આજે નિફ્ટીએ શરૂઆતની મિનિટમાં જ 16,000ની મહત્વપૂર્ણ સપાટી તોડી નાખી છે. આજે ફુગાવાના આંકડા આવવાના છે અને તેમાં જોરદાર વધારો થવાની ભીતિને કારણે સ્થાનિક શેરબજાર તૂટ્યું છે.
શેરબજારની ચાલ ધીમી
આજના વેપારમાં, BSE સેન્સેક્સ 644.54 પોઈન્ટ્સ અથવા 1.19 ટકા ઘટીને 53,443.85 પર અને NSE નિફ્ટી 174.10 પોઈન્ટ્સ અથવા 1.08 ટકા ઘટીને 15,993 પર છે. આ રીતે નિફ્ટીએ 16,000ની મહત્વની સપાટી તોડી છે.
માર્કેટ ઓપન થયાના અડધા કલાકમાં સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટ ડાઉન
સેન્સેક્સમાં હાહાકાર જોવા મળી રહ્યો છે અને તે 53,000ની સપાટી તોડવાની આરે આવી ગયો છે. સેન્સેક્સ 1029 પોઈન્ટ ઘટીને 53,047ની નીચી સપાટીએ પહોંચી ગયો છે. બજારમાં લગભગ 2 ટકાનો ઘટાડો છે અને આ સતત પાંચમો દિવસ છે જ્યારે શેરબજારમાં લાલ નિશાન છવાયું છે.
સવારે 9.28 વાગ્યે બજારની સ્થિતિ
બજાર ખુલ્યાની 15 મિનિટમાં જ સેન્સેક્સમાં ઘટાડો વધી ગયો અને તે 850 પોઈન્ટ તૂટી ગયો. તે 850.78 પોઈન્ટ એટલે કે 1.57 ટકાના ઘટાડા સાથે 53,237.61 પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ NSEનો નિફ્ટી 255.10 પોઈન્ટ અથવા 1.58 ટકાના ઘટાડા સાથે 15,912 પર ટ્રેડ કરી રહ્યો છે.
ઇન્ડેક્સની વાત કરીએ તો ઓટો, આઈટી, એફએમસીજી અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ 1 ટકાથી વધુ તૂટ્યા છે. મેટલ અને ફાર્મા ઇન્ડેક્સ 1 ટકાની નજીક ડાઉન છે. હાલમાં સેન્સેક્સમાં 757 પોઈન્ટનો ઘટાડો છે અને તે 53331 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 213 પોઈન્ટ તૂટીને 15954 ના સ્તર પર છે.
હેવીવેઇટ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 29 શેરો લાલ નિશાનમાં છે. બજાજ ટ્વિન્સ અને એચડીએફસી બેન્ક ઉપરાંત, ટોપ લૂઝર્સમાં M&M, TATASTEEL અને DRREDDYનો સમાવેશ થાય છે.
વૈશ્વિક સંકેતોની વાત કરીએ તો, મુખ્ય એશિયન બજારોમાં આજના કારોબારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, બુધવારે અમેરિકી બજારો પણ નબળાઈ સાથે બંધ થયા છે. બ્રેન્ટ ક્રૂડમાં થોડી નરમાઈ આવી છે પરંતુ તે પ્રતિ બેરલ $108 ની નજીક ટ્રેડ કરી રહી છે. જ્યારે યુએસ ક્રૂડ પણ 106 ડોલર પ્રતિ બેરલ પર છે. યુએસમાં 10-વર્ષની બોન્ડ યીલ્ડ 2.902 ટકા છે.