Stock Market Today: ભારતીય શેરબજારમાં ગુરુવારે ઘટાડાથી શરૂઆત થઇ હતી.  આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 60906ની સામે 395.17 પોઈન્ટ ઘટીને 60636.19 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18,083ની સામે 114.50 પોઈન્ટ ઘટીને 17968.30 પર ખુલ્યો હતો.


સેન્સેક્સ ગઇકાલે 215 પોઇન્ટ તૂટીને 60,906 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 60 પોઇન્ટના નુકસાન સાથે 18,083 પર પહોચ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં 75 બેસિસ પોઈન્ટના વધારાથી યુએસ શેરબજાર પર ભારે અસર પડી છે. આજે વિશ્વભરના રોકાણકારોએ તેનો માર સહન કરવો પડશે.


બજારના નિષ્ણાતનો શું અભિપ્રાય છે


શેરઈન્ડિયાના વીપી, હેડ ઓફ રિસર્ચ ડૉ. રવિ સિંઘે જણાવ્યું હતું કે આજે દિવસના ટ્રેડિંગ માટે 17800-18200ની રેન્જમાં ટ્રેડ થઈ શકે છે. આજે બજારનો અંદાજ ડાઉનટ્રેન્ડનો છે. મીડિયા, મેટલ, ફાર્મા, એફએમસીજી અને એનર્જી ઇન્ડેક્સમાં તેજી તો PSU બેન્ક, રિયલ્ટી, ઓટો, ઈન્ફ્રા અને આઈટી સેક્ટરના શેરમાં ઘટાડો થઈ શકે છે.


યુએસ-યુરોપિયન બજારોમાં કડાકો


ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થતાં અમેરિકી શેરબજારોમાં વેચવાલી શરૂ થઈ અને રોકાણકારોએ નાણાં ઉપાડવાનું શરૂ કર્યું. યુએસના મુખ્ય શેરબજારોમાંથી એક NASDAQમાં છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 3.39 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.




અમેરિકાની જેમ યુરોપિયન બજારોમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન મોટો ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપના મુખ્ય શેરબજારોમાં સામેલ જર્મનીના સ્ટોક એક્સચેન્જમાં છેલ્લા સત્રમાં 0.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.81 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું. આ સિવાય લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ છેલ્લા સત્રમાં 0.58 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


એશિયન બજારો પણ તૂટ્યા


આજે સવારે એશિયાના મોટા ભાગના શેરબજારો તૂટ્યા હતા. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં આજે સવારે 0.86 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે જાપાનના નિક્કી પર ટ્રેડિંગ શરૂ થયું નથી. આ સિવાય તાઈવાનનું શેરબજાર 1.30 ટકા તૂટ્યું છે, જ્યારે દક્ષિણ કોરિયાનું કોસ્પી માર્કેટ 0.97 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે.