Credit Card Bill Payment: ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે ચિંતાજનક  સમાચાર છે. હવેથી, તેમને ક્રેડિટ કાર્ડ બિલના મોડું ચૂકવવા પર 36-50 ટકા વ્યાજ ચૂકવવું પડી શકે છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે ક્રેડિટ કાર્ડની લેટ પેમેન્ટ ફી અંગે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (NCDRC)ના 2008ના નિર્ણયને રદ કર્યો છે, જેમાં ક્રેડિટ કાર્ડની લેટ પેમેન્ટ ફી તરીકે મહત્તમ 30 ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે બેંકો ક્રેડિટ કાર્ડની લેટ પેમેન્ટ ફી પર 30 ટકાથી વધુ એટલે કે 36-50 ટકા વ્યાજ વસૂલ કરી શકશે.


 શું છે સમગ્ર મામલો


NCDRCએ 2008માં પોતાના એક નિર્ણયમાં કહ્યું હતું કે, ક્રેડિટ કાર્ડ યુઝર્સ પાસેથી 36 થી 50 ટકા વાર્ષિક વ્યાજ વસૂલવું ઘણું વધારે છે. તેને ખોટી ટ્રેડ પ્રેક્ટિસ ગણાવીને લેટ પેમેન્ટ ફી માટે વ્યાજ મર્યાદા 30 ટકા નક્કી કરવામાં આવી હતી. NCDRCના આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે અને તેનાથી બેંકોને રાહત મળી છે.


 કયા ગ્રાહકોને અસર થશે?


આ સમાચાર એવા ગ્રાહકો માટે આંચકો છે, જેઓ ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવામાં વિલંબ કરે છે. હવેથી બેંકો આવા ગ્રાહકો પાસેથી લેટ બિલ ફી તરીકે 36-50 ટકા વ્યાજ વસૂલી શકશે. સુપ્રીમ કોર્ટે 20 ડિસેમ્બરે આ સંદર્ભમાં આદેશ જાહેર કર્યો છે અને આ નિર્ણય જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની આગેવાની હેઠળની બેન્ચે આપ્યો છે.                                                                   


બેંકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી


સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પાછળ 16 વર્ષ લાંબો કેસ જોઈ શકાય છે. NCDRCએ 7 જુલાઈ, 2008ના રોજ આ મામલામાં ચુકાદો આપ્યો હતો કે જે ગ્રાહકો નિયત તારીખ સુધીમાં સંપૂર્ણ ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવતા નથી તેમના પર 30 ટકાથી વધુ વ્યાજ વસૂલવામાં આવશે નહીં. HSBC, સિટીબેંક અને સ્ટાન્ડર્ડ ચાર્જ બેંક જેવી ઘણી બેંકોએ આ નિર્ણય સામે અરજી દાખલ કરી હતી અને હવે 20 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે બેંકોની તરફેણમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે.