Swiggy UPI: Zomato બાદ હવે ફૂડ ડિલિવરી કંપની સ્વિગીએ પણ તેની UPI સર્વિસ શરૂ કરી છે. આ રીતે નવા ખેલાડીઓ ઝડપથી UPI માર્કેટમાં પ્રવેશી રહ્યાં છે, જે Google Pay અને PhonePe નો દબદબો ધરાવતા UPI એપ્સના બજાર હિસ્સાને નુકસાન પહોંચાડી શકે છે.
સ્વિગીને તેની નવી સેવાથી આ અપેક્ષાઓ
સ્વિગીએ કહ્યું કે તેણે પેમેન્ટ માટે થર્ડ પાર્ટી એપ્સ પર નિર્ભરતા ઘટાડવા માટે તેની UPI સેવા શરૂ કરી છે. કંપનીનું કહેવું છે કે આ સેવા શરૂ કરવાથી તેના ગ્રાહકોને પણ સુવિધા મળશે. ઓર્ડર આપ્યા પછી ગ્રાહકોને પેમેન્ટ કરવા માટે અન્ય કોઈ એપ ખોલવાની જરૂર રહેશે નહીં, ત્યારે સ્વિગીને આશા છે કે આ સેવા પેમેન્ટ નિષ્ફળતાના કિસ્સાઓ પણ ઘટાડશે.
Zomato ગયા વર્ષે શરૂ કરી હતી
આ પહેલા સ્વિગીની હરીફ ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ પણ તેની UPI સેવા શરૂ કરી છે. જોકે, Swiggy ની સર્વિસ Zomato કરતા અલગ છે. Zomatoની UPI સેવા અન્ય પેમેન્ટ એપ જેવી છે. RBI દ્વારા તેને ડિજિટલ પેમેન્ટ એપ તરીકે કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે સ્વિગીની સેવા UPI પ્લગઇન દ્વારા શરૂ કરવામાં આવી છે. કંપનીએ આ સેવા યસ બેન્ક અને જસપેની ભાગીદારીમાં શરૂ કરી છે.
હવે કર્મચારીઓ સાથે ટેસ્ટિંગ
સ્વિગીની આ સર્વિસ હજુ સામાન્ય ગ્રાહકો માટે ઉપલબ્ધ નથી. મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, ફૂડ ડિલિવરી કંપની ગ્રાહકો માટે UPI સેવા શરૂ કરતા પહેલા તેના કર્મચારીઓ સાથે તેનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ટેસ્ટિંગ છેલ્લા મહિનાથી ચાલી રહી છે. સ્વિગી આગામી કેટલાક મહિનામાં તબક્કાવાર રીતે તેના ગ્રાહકોને UPI સર્વિસ પ્રદાન કરશે.
તાજેતરમાં ઘણી કંપનીઓએ તેમની UPI સેવા શરૂ કરી છે. હાલમાં Google Pay અને PhonePe UPI પેમેન્ટ એપ માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે. જાન્યુઆરીમાં રિઝર્વ બેન્કની કાર્યવાહી બાદ ત્રીજા સૌથી મોટા ખેલાડી પેટીએમના શેરમાં ઝડપથી ઘટાડો થયો છે. હાલમાં બજારમાં GooglePay અને PhonePe સિવાય, Paytm, Zomato, Flipkart, Goibibo, Make My Trip, Tata Niu, Cred જેવી એપ્સ પણ UPI દ્વારા પેમેન્ટની સર્વિસ પૂરી પાડે છે.