નવી દિલ્હીઃ ભારતીય રેલવે દેશમાં 150 પ્રાઇવેટ ટ્રેન ચલાવવાની તૈયારીમાં છે. આ માટે 100 રૂટો નક્કી કરવામાં આવ્યા છે. હાલમાં દેશમાં ફક્ત તેજસ અને વંદે માતરમ ટ્રેન પ્રાઇવેટ કંપનીઓ દ્ધારા ચલાવવામાં આવી રહી છે પરંતુ ભવિષ્યમાં આ આંકડો વધીને 150 સુધી પહોંચાડવાનો છે. વાસ્તવમાં રેલવે મંત્રાલયે 100 નવા રૂટ્સ પર પ્રાઇવેટ ટ્રેન ચલાવવાનો પ્લાન બનાવ્યો છે. હાલમાં તેજસ એક્સપ્રેસમાં મુસાફરોને એરલાઇન્સ જેવી સુવિધાઓ મળી રહી છે.
મુસાફરોને હાઇટેક ટ્રેન વંદે માતરમ અને તેજસ એક્સપ્રેસ ખૂબ પસંદ આવી રહી છે. આ બંન્ને ટ્રેનોમાં તમામ આધુનિક સુવિધાઓ છે. પ્રાઇવેટ ટ્રેન ચલાવવામાં અનેક મોટી કંપનીઓએ રસ દાખવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, રેલવે મંત્રાલયની પ્રાઇવેટ ટ્રેન ચલાવવાની યોજનામાં ટાટા, અદાણી અને Bombardierજેવી મોટી કંપનીઓએ રસ દાખવ્યો છે.
સૂત્રોના મતે Alstom, Hitachi, Tata Realty પણ રેલવે મંત્રાલયની આ યોજના હેઠળ પ્રાઇવેટ ટ્રેન ચલાવવા માંગે છે. સરકાર કઇ ટ્રેન ક્યા રૂટ પર દોડશે તે નક્કી કરી ચૂકી છે. હાલમાં પ્રાઇવેટ ટ્રેનના રૂટમાં મુંબઇ સેન્ટ્રલ-નવી દિલ્હી, નવી દિલ્હી-પટના, અમદાવાદ-પૂણે અને દાદર-વડોદરાના ઇન્દોર-ઓખલા, લખનઉ- જમ્મુ તાવી, ચેન્નઇ-ઓખલા, સિકંદરાબાદ-ગુવાહાટી અને હાવડા-આનંદ વિહાર સામેલ છે. હાલમાં નવી દિલ્હી-લખનઉ વચ્ચે ભારતની પ્રથમ પ્રાઇવેટ ટ્રેન દોડી રહી છે. જેને આઇઆરસીટીસી સંચાલિત કરે છે.
આ પ્રાઇવેટ ટ્રેન 16 કોચની હશે. જેની ઝડપ 160 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ માટે ભાડું અને મેઇન્ટેનન્સની જવાબદારી પ્રાઇવેટ કંપની રહેશે.ટ્રેનમાં ક્યા ક્લાસમાં કેટલા કોચ હશે, ટ્રેન ક્યા સ્ટેશન પર ઉભી રહેશે એ નક્કી કરવાની જવાબદારી સંચાલિત કંપનીની રહેશે.