નવી દિલ્હીઃ નબળી માગ અને ઉત્પાદન ખર્ચ વધવાને કારણે સોમવારે ટાટા સ્ટીલે મોટું નિવેદન આપ્યું છે. કંપનીએ 3000થી વધારે લોકોની છટણી કરવાની યોજના બનાવી રહી છે. યૂરોપમાંથી કંપનીના કર્મચારીઓની છટણી કરવામાં આવશે.


આ મામલે રોયટર્સને એક અધિકારીએ કહ્યું કે, ટાટા ગ્રૂપના યૂરોપના મુખ્ય કાર્યકારી હેનરિક એડમે કહ્યું હતું કે, ટૂંકમાં જ કંપની યૂરોપના માર્કેટમાં છટણી કરી શકે છે. ત્યારે કંપની દ્વારા તેના આંકડા વિશે જાણકારી આપવામાં આવી ન હતી કે કેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવશે.

જોકે કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે જે 3000 કર્મચારીઓને બરતરફ કરવામાં આવશે તેમાં 75 ટકા કર્મચારીઓ ઓફિસમાં વ્હાઇટ કોલર ભૂમિકા ભજવી રહ્યાં છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ માહિતી યુરોપિયન વર્ક્સ કાઉન્સિલ સિલેક્ટ કમિટીને પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં સ્ટીલની માગ ઘટી છે.

ટાટા સ્ટીલ યુરોપે એક નિવેદનમાં જણાવ્યું છે કે માર્ચ, 2021માં પૂરા થનારા નાણાકીય વર્ષથી કંપનીના પરિણામોમાં સુધારો જોવા મળશે. કંપનીએ વધુમાં જણાવ્યું છે કે કંપનીની નાણાકીય સ્થિતિ સુધારવા માટે ખર્ચમાં ઘટાડો કરવા કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.