Explosion of Unemployment : આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની સામે રોજે રોજ નવી નવી સમસ્યાઓ મોં ફાડીને ઉભી જ હોય છે. મોંઘવારીના કારણે સામાન્ય પાકિસ્તાનીની થાળીમાંથી રોટલી ગાયબ થઈ રહી છે. લોટ જેવી રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે તો બીજી બાજુ વીજ સંકટને કારણે પાકિસ્તાનના લગભગ 30 શહેરો ગત દિવસે અંધકારમાં ડૂબી ગયા હતા. પરિસ્થિતિ દિન-પ્રતિદિન વણસી રહી છે. હવે લાખો લોકોની નોકરીઓ પર સંકટ તોળાવવા લાગ્યું છે. 


પાકિસ્તાનમાં દરરોજ લગભગ હજારો લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર 2023માં લાખો પાકિસ્તાની બેરોજગાર થઈ જશે. તેનો અર્થ એ કે કટોકટી હજી પણ વધુ ગંભીર બનવા જઈ રહી છે.


62 લાખથી વધુ લોકો થશે બેરોજગાર 


પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઈટ 'ધ ડોન'માં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, 2023માં બિઝનેસ બંધ થવાથી અને ફેક્ટરીઓમાં ઉત્પાદન ઘટવાને કારણે લગભગ 62 લાખ (6.2 મિલિયન) લોકો બેરોજગાર થઈ શકે છે. આ આંકડો પાકિસ્તાનના કુલ કર્મચારીઓના 8.5 ટકા છે. આ એવા લોકો છે જેઓ કામ કરવા માટે તો તૈયાર છે પરંતુ તેમના માટે રોજગાર જ નથી.


ભયંકર બેરોજગારીની સંભાવનાને કારણે પાકિસ્તાન સરકાર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી વહેલી તકે રાહત પેકેજની અપેક્ષા રાખી રહી છે. આ સ્થિતિમાં સરકાર મિની બજેટને મોકૂફ રાખી શકે તેમ નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મિની બજેટ આવવાથી પાકિસ્તાનમાં બેરોજગારી હજી પણ વધશે.


સ્ટેગફ્લેશન વધશે


મિની બજેટમાં શાહબાઝ શરીફની સરકાર ગેસ અને વીજળીના ભાવમાં વધારો કરશે. પેટ્રોલિયમ ઉત્પાદનો પર વધારાનો ટેક્સ અને આયાત-નિકાસ પર ટેક્સ વધારશે. કારણ કે આ સિવાય સરકાર પાસે બીજો કોઈ રસ્તો જ નથી બચ્યો. તેનાથી 'સ્ટેગફ્લેશન' વધશે. જ્યારે ફુગાવાનો દર અને બેરોજગારીનો દર તેમની ટોચ પર હોય ત્યારે સ્ટેગફ્લેશનનો ઉપયોગ થાય છે.


આયાત માટે નથી રહ્યો પૂરતો ખજાનો


પાકિસ્તાન પણ અત્યંત ખરાબ સ્થિતિ તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનમાં મોંઘવારી દર નવી ઊંચાઈએ પહોંચશે. પાકિસ્તાનનો ફોરેન રિઝર્વ (13 જાન્યુઆરી સુધીમાં $4.601 બિલિયન) એક મહિનાની આયાત કરવા માટે પણ પૂરતુ રહ્યું નથી. તેથી સરકાર કોઈપણ રીતે IMF પાસેથી ઉધાર લેવાના જુદા જુદા રસ્તાઓ શોધી રહી છે. તેની મિની બજેટની શકયતાઓને નકારી ના શકાય. જો તે રજુ થશે તો પાકિસ્તાનમાં બેરોજગારી વધારશે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર એટલો ઘટી ગયો છે કે આવશ્યક ચીજવસ્તુઓની આયાત માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં રોજબરોજની વસ્તુઓની સાથે લોટ, ગેસ, પેટ્રોલથી લઈને દવાઓનું સંકટ ઘેરુ બન્યું છે.