નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની બુધવારે મળનારી બેઠકમાં કર્મચારી ભવિધ્ય નિધિ એટલે કે પીએફ પર વર્ષ 2019-20 માટે 8.5 ટકા વ્યાજ આપવાના નિર્ણયની પુષ્ટિની વિલંબનો મામલો ઉઠાવવામાં આવી શકે છે. ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ પાંચ માર્ચની બેઠકમાં ઈપીએફ પર 2019-20 માટે વ્યાજ દર 8.5 ટકા રાખવાની ભલામણ કરી હતી જે પહેલા કરતાં 0.15 ટકા ઓછું છે. ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીના અધ્યક્ષ સંતોષ ગંગવાર છે. ઈપીએફઓ દ્વારા આ પ્રસ્તાવિત દર સાત વર્ષમાં સૌથી ઓછો છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીના આ નિર્ણયને વિત્ત મંત્રાલયની સહમતિ માટે મોકલી દેવામાં આવ્યો છે. પણ હજુ સુધી વિત્ત મંત્રાલય તરફથી મંજૂરી પ્રાપ્ત થઈ નથી. વિત્ત મંત્રાલયની સહમતિથી જ ઈપીએફ પર વાર્ષિક વ્યાજદરમાં સંશોધનનો નિર્ણય લાગુ થઈ શકે છે. આ પહેલાં વર્ષ 2018-19 માટે ઈપીએફ ખાતાધારકોને પોતાના જમા ધન પર 8.65 વર્ષના દરથી વ્યાજ મળતું હતું.



ઈપીએફઓ સાથે જોડાયેલ મહત્વપુર્ણ સભ્યએ કહ્યું કે અમે વ્યાજદરની મંજૂરીમાં વિલંબનો મુદ્દો આ બેઠકમાં ઉઠાવીશું. આ મુદ્દો બેઠકની કાર્યસૂચિમાં નથી પણ અમે આ મુદ્દો ઉઠાવી શકીએ છીએ.

ઈપીએફઓ પોતાની વાર્ષિક જમા રકમના 85 ટકા રકમ ડેટ માર્કેટમાં અને 15 ટકા રકમ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ દ્વારા ઈક્વિટીસમાં લગાવે છે. વિતેલા વર્ષે માર્ચના અંતમાં ઈક્વિટીઝમાં ઈપીએફઓનું કુલ રોકાણ 74,324 કરોડ રૂપિયા હતું અને તેને 14.74 ટકા વળતર મળ્યું હતું. જોકે, સરકારે એ પણ ધ્યાન રાખવું પડશે કે પીએફ પર વ્યાજ દર ઘટવાથી વર્કર્સના સેન્ટિમેન્ટ પર ખરાબ અસર જોવા મળી શકે છે.