સુપ્રીમ કોર્ટમાં છ મહિનાના મોરેટોરિયમના સમય સુધીના વ્યાજની માફી અંગે પણ અરજી દાખલ કરવામા આવી છે. આ મામલાની સુનાવણી જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી બેન્ચ કરી રહી છે. આ મામલે બેન્ચે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. મંગળવારે આ મામલે કોઇ સુનાવણી થઇ નહીં. હવે બુધવારે જ આ મામલે સુનાવણી થશે.
લોન મોરેટોરિયમની સમયમર્યાદા વધારવાની માંગણી વાળી બે અરજીઓ પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી ત્રણ જજની બેન્ચ સુનાવણી કરી રહી છે. મંગળવારે કેન્દ્ર સરકાર તરફથી આ બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરતાં કહ્યું કે, લોન મોરેટોરિયમ બે વર્ષ સુધી લંબાવાઇ શકે છે. કેન્દ્ર સરકાર તરફથી મોરેટોરિયમ અંગે સોમવારે એફિડેવીટ દાખલ કરવામાં આવી છે પણ બેન્ચે કહ્યું કે હજુ સુધી તેમની પાસે એફિડેવીટ આવ્યું નથી. આ મુદ્દે બેન્ચે સુનાવણી સ્થગિત કરી નાખી હતી. હવે બુધવારે વધુ સુનાવણી થશે.
કોરોનાના કારણે લાદવા પડેલા લોકડાઉનને કારણે પડેલી આર્થિક અસરને ધ્યાનમાં રાખીને રીઝર્વ બેંકે માર્ચમાં ત્રણ મહિના માટે મોરેટોરિયમની સુવિધા આપવાની જાહેરાત કરી હતી. આ સુવિધા 1 માર્ચ થી 31 મે સુધી ત્રણ મહિના માટે લાગૂ કરવામા આવી હતી. ત્યાર બાદ રીઝર્વ બેંકે તેને ત્રણ મહિના માટે વધારીને 31 ઓગસ્ટ સુધી કરી નાખી હતી. આ રીતે કુલ છ મહિના સુધી મોરેટોરિયમની સુવિધા આપવામા આવી હતી અને 31 ઓગસ્ટે આ સુવિધા સમાપ્ત થઇ ગઇ છે.