નવી દિલ્હીઃ  આગામી 1 એપ્રિલથી અનેક બદલાવ આવી રહ્યા છે. જેની અસર ગ્રાહકો, વેપારીઓ પર પણ પડવાની છે. 1લી એપ્રિલથી નાણાકીય વર્ષ 2021-22ની શરૂઆત થઈ રહી છે. આ તારીખથી અનેક ફેરફાર થશે જેમાં એક વેપારીઓને સીધી અસર કરે એવા GSTમાં પણ કેટલાક ફેરફર આવી રહ્યા છે. આવો જાણીએ ક્યા ક્યા ફેરફાર થશે.


નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે તા.૧ એપ્રિલથી વેચાણના બિલોની નવી સિરિઝ ૧ થી શરૂ કરવી પડશે. જેમનું વાર્ષિક ટર્ન ઓવર ૫૦ કરોડથી વધુ છે તેણે જે માહિતી વેચાણ બિલોમાં દર્શાવાની છે તે વેબસાઇટના પોર્ટલથી બનાવવાની રહેશે. જેમનું ટર્નઓવર ૫ કરોડ રૂપિયા સુધી છે તેણે ચાર આંકડામાં વેચાણ બિલોમાં એચએસએન નંબર દર્શાવાના રહેશે જેને માલ વેચ્યો હશે તેના વેચાણ બિલો અથવા ઉધાર નોંધ અથવા તો વેરો ભર્યાનો પૂરાવો મેળવી લેવાનો રહેશે. જો વિગતો આઉટવર્ડ સપ્લાયના સ્ટેટમેન્ટમાં નહીં હોય તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ (input tax credit) નહીં મળે.


વેપારી સેલ્ફ આકારણી કરીને પત્રકો ભરે અને તેમાં વેરો અને વ્યાજ ન ભરે તો જંગમ અથવા સ્થાવર મિલકત જપ્ત કરી શકાશે. માલની હેરફેર વખતે GST કાયદાનું ઉલ્લંઘન થાય તો માલ, વાહન અને દસ્તાવેજ કરી શકશે.


વાહન અટકાવતા માલનો માલિક હાજર થાય તો ભરવાપાત્ર વેરાના ૨૦૦ ટકા અને માલ માફ કરવા પાત્ર હોય તો માલની કિંમતના બે ટકા અને મહત્તમ ૨૫ હજારનો દંડ થશે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે વેપારીએ એલયુટી (લેટર ઓફ અન્ડર ટેકિંગ) માટે અરજી કરી દેવી, તેમ ટેક્સ બાર એસો.ના મીડિયા કન્વીનરે કહ્યું છે.


નાણાંકીય વર્ષમાં નવી વ્યવસ્થા અંતર્ગત વેપારીઓને વસ્તુનો કોડ ફરજિયાત કરવામાં આવ્યો છે. તે અંતર્ગત 200 રૂપિયાથી વધારે કિંમતનો કોઈપણ સામાન વેચવા પર બિલની સાથે કોડ લખો જરૂરી હશે. વેપારીએ કોડ નંબર નહીં લખ્યો હોય તો અધિકારી માલ રોકવાની સાથે દંડની કાર્રવાઈ કરી શકે છે. જોકે, તેની જાણકારી રાખનાર વેપારીઓનું કહેવું છે કે, તેનાથી કામમાં પારદર્શિતા આવશે અને નકલી બિલિંગ અટકશે.