Tata-Mistry Case: સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપના અધ્યક્ષ નહીં બની શકે. દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગ્રુપમાંથી એક એવા ટાટા ટ્રસ્ટને લઈને 5 વર્ષથી ચાલી રહેલ વિવાદમાં સુપ્રીમ કોર્ટે ટાટાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે મિસ્ત્રીના નિયંત્રણ વાળી શાપુરજી પાલોનજી ગ્રુપને મળનારા વળતર પર કોઈ આદેશ આપ્યો નથી. ચીફ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, તેને લઈને અલગથી કાયદાકીય પ્રક્રિયા ચાલશે.


સાયરસ મિસ્ત્રી અબજોપતિ શાપુરજી પલ્લોનજી પરિવારના સભ્ય છે. ઓક્ટોબર 2016માં તેમને ચેરમેન પદે હટાવવામાં આવ્યા હતા. તેઓ 2012માં રતન ટાટા બાદ ટાટા સન્સના 6ઠ્ઠા ચેરમેન બન્યા હતા. થોડા સમય બાદ તેમને ટાટા સન્સના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાંથી પણ કાઢી મુકાયા હતા.


નોંધનીય છે કે મિસ્ત્રીનો પરિવાર ટાટા સન્સના 18% હિસ્સો ધરાવે છે. મિસ્ત્રીએ ટાટા સન્સ ઉપર તેમના માઇનોરિટી સ્ટેક હોલ્ડર્સના અભિપ્રાય દબાવી દેતા હોવાનો ગંભીર આક્ષેપ મુક્યો હતો. જો કે કંપનીએ આ આક્ષેપો ફગાવી દીધા હતા. ટાટા સન્સના મેનેજમેન્ટ અને સાયરસ મિસ્ત્રી સામે કાનૂની યુદ્ધ ફાટી નીકળ્યું હતું.


2019માં National Company Law Appellate Tribunal (NCLAT)એ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરીથી નિમણુંક કર્યા હતા. તેમણે મિસ્ત્રીના બદલે મુકાયેલા N ચન્દ્રશેખરનની નિમણુંકને ગેરકાનૂની ઠેરવી હતી. આ આદેશની વિરૂદ્ધ ટાટા ગ્રુપ સુપ્રીમ કોર્ટમાં ગયું હતું. જાન્યુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે NCLATના આદેશ પર સ્ટે આપ્યો હતો. આજે કોર્ટે ટાટા બોર્ડમાં થયેલી કાર્રવાઈને યોગ્ય ગણાવી અને NCLATના આદેશને રદ્દ કર્યો.


બીજી બાજુ શાપુરજી પાલોનજી ગ્રુપ ને સાયરસ મિસ્ત્રીએ પણ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. તેમની ફરિયાદ હતી કે NCLATએ ટાટા ગ્રુપના આ નિયમને રદ્દ ન કર્યો જેનો દુરુપયોગ કરીને મિસ્ત્રીને હટાવવામાં આવ્યા હતા. એવામાં એ વાતની આશંકા રહેશે કે ભવિષ્યમાં આવું ફરી નહીં થાય.


શાપુરજી પાલોનજી ગ્રુપ મામલે કોઈ આદેશ નહીં


મિસ્ત્રીના નિયંત્રણવાળી શાપુરજી પાલોનજી ગ્રુપનો ટાટા ટ્રસ્ટમાં 18.4 ટકા હિસ્સો છે. શાપુરજી પાલોનજીએ સુપ્રીમ કોર્ટમાં એ માગ પણ કરી હતી કે તેને ટ્ટા ગ્રુપની તમામ કંપનીઓમાં ટાટા સન્સનો જે હિસ્સો છે તેના 18.4 ટકા શેર આપવામાં આવે. પરંતુ કોર્ટે તેના પર કોઈ આદેશ આપ્યો ન હતો.