નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. દિલ્હી સહિત આસપાસના વિસ્તારમાં ટમેટા, બટાકા અને લીલી શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ટમેટા 80 થી 90 રૂપિયા અને બટાકા 30 થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.


ટમેટામાં તેજી

એક પખવાડિયા પહેલા ટમેટાનો ભાવ 20 રૂપિયા કિલો હતો પરંતુ અચાનક તેનો ભાવ 80 થી 90 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો છે. આઝાદપુર સબજી મંડીના એક વેપારીના જણાવ્યા મુજબ, વરસાદ શરૂ થવાના કારણે ગુજરાતથી ટમેટા ભરીને આવતાં ટ્રકની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. શિમલાથી ટમેટા આવી રહ્યા છે તે માંગ પૂરી નથી કરી શકતા. જથ્થાબંધ બજારમાં ટમેટાનો ભાવ 45 થી 50 રૂપિયા પ્રતિ કિલો છે પરિણામે છૂટક શાકભાજી વેચતા લોકો સુધી પહોંચતા તે 80 થી 90 રૂપિયા થઈ જાય છે.

40 રૂપિયાના કિલો વેચાઈ રહ્યા છે બટાકા

ટમેટાની સાથે આમ આદમીના સૌથી પસંદગીના બટાકાના ભાવ 35 થી 40 રૂપિયા સુધી પહોંચી ગયો છે. વેપારીના જણાવ્યા મુજબ, ડીઝલના ભાવમાં વધારો થવાથી પરિવહન ખર્ચ વધી ગયો છે. ટ્રાન્સપોર્ટરોએ ભાડામાં વધારો કર્યો છે. જેની અસર શાકભાજીના ભાવમાં જોવા મળી રહી છે.

આ ઉપરાંત ભીંડો 30 થી 40 રૂપિયા, રિંગણ 50 રૂપિયા અને ફ્રેન્ચ બીન્સ 60 થી 80 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે શાકભાજીની પૂરતી આવક થતી નથી. અનેક જગ્યાએ વરસાદી પાણીમાં શાકભાજીના ખેતરો ડૂબી ગયા છે, દેશના અનેક વિસ્તારો પૂરગ્રસ્ત છે. જેની અસર શાકભાજીના ભાવ પર જોવા મળી રહી છે.