ભારતના શેર બજારમાં આજેથી શેરના ખરીદ-વેચાણની નવી પદ્ધતિ લાગુ કરવામાં આવી રહી છે. આ T+1 સેટલમેન્ટ પ્રક્રિયાથી શેર ધારકોને ફાયદો થશે. આ પદ્ધતિ લાગુ કરનાર ભારત દુનિયાનો પહેલો દેશ બન્યો છે. હજી સુધી અમેરિકાના શેર બજારોમાં પણ આ T+1 સેટલમેન્ટ પ્રક્રિયા લાગુ નથી થઈ. ત્યારે આવો જાણીએ T+1 સેટલમેન્ટ પ્રક્રિયામાં શું છે અને કઈ રીતે શેર ખરીદ-વેચાણ કરતા લોકોને ઉપયોગી થશે.
હાલ કઈ પ્રક્રિયા ચાલે છે?
T+1 સેટલમેન્ટ પદ્ધતિ સમજતાં પહેલાં એ સમજીએ કે હાલ ભારતના શેર બજારમાં કઈ પ્રક્રિયાથી શેરની લે-વેચ થાય છે. અત્યારે ભારતના શેર બજારમાં શેરના ખરીદ-વેચાણમાં T+2 એટલે કે રોલિંગ સેટલમેન્ટ પ્રક્રિયા લાગુ છે. રોલિંગ સેટલમેન્ટ પદ્ધતિમાં કોઈ વ્યક્તિ શેરની લે-વેચ કરે છે ત્યારે લે-વેચના બીજા દિવસે શેરની ચૂકવણી કરાય છે. T+2 સેટલમેન્ટ સૂચવે છે કે, બીજા કામના દિવસ બાદ ડીલ્સ બંધ રાખવામાં આવે છે. આ કારણોસર જો કોઈ રોકાણકાર બુધવારે લે-વેચ કરે છે તો તે શુક્રવારે બંધ થઈ જશે. જો લે-વેચ શુક્રવારે કરવામાં આવે તો બ્રોકરે શુક્રવારે જ શેરના પૈસાની ચૂકવણી કરવાની રહેશે, પરંતુ શેર મંગળવારે એકાઉન્ટમાં ડિપોઝિટ થશે.
T+1 સેટલમેન્ટ પ્રક્રિયા શું છે?
શેર બજારમાં લિક્વિડિટી જળવાઈ રહે તે માટે હવે T+1 સેટલમેન્ટ પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે. આ પ્રક્રિયા તબક્કાવાર લાગુ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં T+2 સેટલમેન્ટમાં બીજા દિવસે જે શેરની ચૂકવણી કરાતી હતી તે હવે T+1 સેટલમેન્ટ પ્રક્રિયા મુજબ શેરની લે-વેચના 24 કલાકની અંદરના સમયમાં શેર ખાતામાં આવી જશે. આજે 25 ફેબ્રુઆરીથી માર્કેટ વેલ્યૂના આધારે નીચલી કક્ષાના 100 શેરથી શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ તેમાં 500 શેર ઉમેરવામાં આવશે. માર્ચ 2022ના છેલ્લા શુક્રવાર અને ત્યારબાદ દર મહિને T+1 સેટલમેન્ટ મુજબ શેરનું ખરીદ વેચાણ થશે.