નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ પહેલીવાર ફોન કોલની રીંગ કેટલા સમય સુધી વાગશે તેની સમયસીમા નક્કી કરી છે. TRAIના નિયમ અનુસાર મોબાઈલ પર ઓછામાં ઓછી 30 સેકન્ડ અને લેન્ડલાઈન પર 60 સેકન્ડ ઇનકમિંગ વોઈસ કોલની રિંગ વાગવી જરૂરી છે.

ટ્રાઈએ લેન્ડલાઈન અને મોબાઈલ ફોન સેવાઓની ગુણવત્તા સંબંધીત જોગવાઈમાં કરેલા સુધારા અનુસાર, ઇનકમિંગ ફોન કોલનો જો તરત જવાબ નહીં આપવામાં આવે અથવા તો તેને કટ કરવામાં ન આવે તો તેની સૂચના આપનાર ફોનની રિંગ મોબાઈલ સેવા માટે 30 સેકન્ડ અને લેન્ડલાઈન માટે 60 સેકન્ડ રહેશે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દેશમાં ફોન પર ઇનકમિંગ કોલની રિંગ કેટલો સમય સુધી વાગશે તેની કોઈ સમયસીમા નક્કી નહોતી. ટેલિકોમ કંપનીઓ કોલ જોડવાના ચાર્જથી થતી આવકનો લાભ ઉઠાવવા માટે ખુદ રિંગની સમય મર્યાદા ઘટાડી દેતી હતી. જેથી અન્ય નેટવર્કવાળા ગ્રાહકો તેમના નેટવર્ક પર કોલ બેક કરવા માટે બંધાયેલા રહે.

રિલાયન્સ જિયોએ હાલમાં રિંગનો સમય ઘટાડીને 25 સેકન્ડ કરી દીધો છે. હવે નવા નિયમો પ્રમાણે જિયો યુઝર્સના ફોન પર પણ રિંગનો સમય 30 સેકન્ડ સુધી વાગશે.