UIDAI એ મફત આધાર અપડેટ કરવાની સમયમર્યાદા 3 મહિના સુધી લંબાવી છે. 14 ડિસેમ્બર સુધી આધારકાર્ડને ફ્રીમાં અપડેટ કરી શકો છો. અગાઉ આ સમયમર્યાદા 14 જૂન સુધી હતી, પરંતુ તેને 3 મહિના વધારીને 14 સપ્ટેમ્બર કરવામાં આવી હતી.


યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જારી કરાયેલા આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “વધુમાં વધુ લોકોને આધાર સાથે સંબંધિત તેમના દસ્તાવેજો અપડેટ કરવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી, myAadhaar પોર્ટલ દ્વારા, આધારમાં તેમના દસ્તાવેજોને અપડેટ કરી શકાય છે. મફત અપડેટ કરવાની સુવિધા 14 સપ્ટેમ્બર સુધી પૂરી પાડવામાં આવી હતી. આ અંગે નાગરિકોના સકારાત્મક પ્રતિસાદને જોતા હવે આ સુવિધાને વધુ ત્રણ મહિના એટલે કે 15 સપ્ટેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી, myAadhaar પોર્ટલ દ્વારા દસ્તાવેજોના મફત અપડેટની સુવિધા હવે 14 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.


UIDAIએ 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડ ધારકોને તેમની આધાર વિગતો નવીનતમ માહિતી સાથે અપડેટ કરવા જણાવ્યું છે. UIDAI વેબસાઈટ પર આ સંદર્ભમાં આપવામાં આવેલી સૂચનાઓ કહે છે, “કૃપા કરીને વસ્તી વિષયક માહિતી સચોટ અને સાચી રાખવા માટે તમારું આધાર અપડેટ કરો. તેને અપડેટ કરવા માટે, તમારા ઓળખ પ્રમાણપત્ર અને સરનામાના પુરાવા સંબંધિત પ્રમાણપત્ર અપલોડ કરો. નાગરિકોને તેમનાં નામ અને સરનામાં અપડેટ કરવાની સાથે લગ્ન કે મૃત્યુના કિસ્સામાં તેમના સંબંધીઓની વિગતો અપડેટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.


આધારકાર્ડને અપડેટ કરવા માટે તમે UIDAI ની વેબસાઈટ પર જઈને તેની વિગતો જાતે અપડેટ કરી શકે છે. આમાં માત્ર ડેમોગ્રાફિક ડેટા ઓનલાઈન અપડેટ કરી શકાશે. જો તમે જાતે આધાર અપડેટ કરી શકતા નથી, તો તમે નજીકના આધાર કેન્દ્ર પર જઈને આ કામ કરાવી શકો છો. પરંતુ અહીં તમારે દરેક વિગતો અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.


આધારને ઓનલાઈન અપડેટ કરવા માટે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવો જરૂરી છે. નહીંતર આધાર ઓનલાઈન અપડેટ થશે નહીં. મોબાઈલ નંબર ફક્ત આધાર કેન્દ્ર પર અપડેટ કરી શકાય છે. વિગતો અપડેટ કર્યા પછી તમને સેવા વિનંતી નંબર પણ મળશે. આના દ્વારા તમે ચેક કરી શકો છો કે તમારા આધારમાં વિગતો ક્યારે અપડેટ થશે.