Vaibhav Taneja Tesla: ભારતીય મૂળના એક્ઝિક્યૂટિવ્સની પ્રતિભાની આખી દુનિયાને ખબર છે. ભારતીય મૂળના એક્ઝિક્યૂટિવ્સ અત્યારે માઈક્રોસૉફ્ટથી લઈને ગૂગલ સુધીની કેટલીય મોટી કંપનીઓની જવાબદારી સંભાળી રહ્યા છે. હવે સત્ય નડેલા અને સુંદર પિચાઈની આ ગૌરવશાળી કેટેગરીમાં વધુ એક ભારતીય પ્રતિભાનું નામ ઉમેરાયું છે, જેમને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે તેમના ખજાનાની ચાવી પકડાવી દીધી છે.


Zachary Kirkhornની લેશે જગ્યા  - 
ટેસ્લા, વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક વાહન કંપનીઓમાંની એક અને એલન મસ્કને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનાવનાર કંપનીએ ભારતના વૈભવ તનેજાને તેમના નવા મુખ્ય નાણાકીય અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. વૈભવ તનેજાને ટેસ્લાના CFO ઝાચેરી કિર્કહોર્નની જગ્યાએ આ જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ વૈભવ તનેજા એકાઉન્ટિંગ વિભાગના વડા હતા.


13 વર્ષ બાદ તેમને આપ્યુ રાજીનામું - 
રાજીનામું આપનાર ટેસ્લાના સીએફઓ ઝાચેરી કિર્કહોર્ન લાંબા સમયથી કંપની સાથે જોડાયેલા હતા. તેઓ લગભગ 13 વર્ષ સુધી ટેસ્લા સાથે સંકળાયેલા હતા અને હાલમાં તેમની પાસે કંપનીના નાણાની પુરેપુરી જવાબદારી હતી. તેઓ આ વર્ષના અંત સુધી કંપની સાથે જોડાયેલા રહેશે, જેથી ટ્રાન્ઝિશનમાં કોઈ મુશ્કેલી ના પડે. ટેસ્લાએ આટલા લાંબા સમયથી તેની સાથે કામ કરી રહેલા ઝાચેરી કિર્કહોર્ને કેમ અલગ થવાનો નિર્ણય લીધો છે. 


ટેસ્લા સીએફઓએ લિન્ક્ડઇન પર બતાવ્યુ - 
Zachary Kirkhorn એ LinkedIn પર આ વિશે અપડેટ પૉસ્ટ કર્યું. તેમને કહ્યું કે ટેસ્લા સાથે કામ કરવું એ તેના જીવનનો સૌથી શાનદાર અનુભવ છે. જોકે તેમને પણ ટેસ્લા છોડવાનું કારણ જણાવ્યું નથી.


વૈભવ તનેજાની પાસે પહેલાથી જ છે આ જવાબદારીઓ - 
વૈભવ તનેજાની વાત કરીએ તો તે ટેસ્લા સાથે 2016થી કામ કરી રહ્યો છે. 45 વર્ષીય વૈભવ જ્યારે એલન મસ્કની કંપનીએ 2016માં સૉલારસિટી હસ્તગત કરી ત્યારે ટેસ્લા સાથે સંકળાયેલા હતા. વૈભવને જાન્યુઆરી 2021માં ટેસ્લા ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ, ટેસ્લાના ભારતીય એકમના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. તેમની પાસે એકાઉન્ટિંગનો બે દાયકાથી વધુનો અનુભવ છે.


બે સીએફઓની સાથે કરી ચૂક્યા છે કામ - 
વૈભવ તનેજાએ તેની કારકિર્દીમાં ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કામ કર્યું છે. ટેસ્લામાં તેમની વર્તમાન ભૂમિકા પહેલાં, તેમણે કૉર્પોરેટ કંટ્રૉલરની જવાબદારી સંભાળી હતી. તેમને CFOનું પદ છોડી રહેલા ઝાચેરી કિર્કહોર્ન અને દીપક આહુજા સાથે કામ કર્યું છે, જેઓ તેમની પહેલાં ટેસ્લાના CFO હતા. ટેસ્લા પહેલા વૈભવ સૉલારસિટીમાં વાઇસ પ્રેસિડેન્ટ હતા.