અનિલ અગ્રવાલે મંગળવારે જાહેરાત કરી હતી કે, તેઓ ભારતમાં લિસ્ટેડ કંપની વેદાંતા લિમિટેડના તમામ શેર પરત ખરીદીને પોતાની ખાનગી કંપની બનાવશે. વેદાંતા લિમિટેડને ભારતીય શેરબજારમાં ડીલિસ્ટ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
કંપનીએ સેબીને મોકલેલી નોંધમાં જણાવ્યું કે, તેનું પ્રમોટર ગ્રુપ વેદાંત રિસોર્સિઝ એકલું કે ગ્રુપની એક કે તેથી વધારે સબ્સિડિયરી સાથે મળીને કંપનીના ઈક્વિટી શેરનું અધિગ્રહણ કરશે. જેમાં કંપનીના સાર્વજનિક શેરધારકો પાસે રાખવામાં આવેલા તમામ શેર ખરીદવામાં આવશે.
પ્રમોટર ગ્રુપના અન્ય સભ્યોની સાથે વેદાંતા રિસોર્સિઝ લિમિટેડ પાસે વર્તમાનમાં વેદાંતા લિમિટેડના 51.06 ટકા શેર છે, જ્યારે સાર્વજનિક શેરધારકો પાસે કંપનીના 169.10 કરોડ એટલે કે 48.94 ટકા શેર છે.
આજે સવારે 9.49 કલાકે કંપનીનો શેર 3.20 ટકાના વધારા સાથે 91.90 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.