Viral Video: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન અને MD મુકેશ અંબાણી એકમાત્ર ભારતીય છે જેમણે વિશ્વના ટોચના 10 અબજપતિઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. હુરુન રિપોર્ટ અનુંસાર RILના વડાએ સંપત્તિમાં 20 ટકાનો ઘટાડો હોવા છતાં $82 બિલિયનની નેટવર્થ સાથે વૈશ્વિક સ્તરે નવમું સ્થાન મેળવ્યું છે. આટલું જ નહીં, તેણે સતત ત્રીજા વર્ષે સૌથી ધનિક એશિયનનો ખિતાબ પણ જાળવી રાખ્યો છે. જેના કારણે તે ચર્ચામાં રહે છે.

જો કે, આ સિવાય એક અન્ય કારણે તેઓ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં મુકેશ અંબાણીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક ઈન્ટરવ્યુનો છે. ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે મુકેશ અંબાણીને પૂછવામાં આવ્યું હતું કે, તમારા માટે પૈસાનો અર્થ શું છે? તો તેમણે જે જવાબ આપ્યો તે સાંભળીને તમે પણ ચોંકી જશો.





મુકેશ અંબાણીએ ખૂબ જ વિનમ્રતાથી કહ્યું હતું કે, અંગત રીતે બહુ ઓછા લોકો જાણે છે કે, બાળપણથી લઈને આજ સુધી હું ક્યારેય મારા ખિસ્સામાં રોકડ રાખતો નથી. મારી પાસે કોઈ ક્રેડિટ કાર્ડ પણ નથી. તેમણે કહ્યું હતું કે, તેમની સાથે કોઈ ને કોય હોય જ છે જે તેમના વતી બિલ ચૂકવે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પૈસા મારા માટે માત્ર એક સાધન છે. તેઓ માને છે કે, સંસાધનના રૂપમાં નાણાં કંપનીનું જોખમ લેવાનું કામ કરે છે.

એશિયાના સૌથી અમીર વ્યક્તિ પાસે ક્રેડિટ કાર્ડ નથી આ વાત કદાચ પચી ના શકે. પણ બીજી તરફ, મુકેશ અંબાણીએ જે રીતે હસતા હસતા આ વાત કહી છે તે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વાત પર વિશ્વાસ કરી શકતા નથી. આ વિડિયો પર ખૂબ જ રમુજી રીતે કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું હતું કે, તે આપણા જેવા છે... હું પણ મારા મિત્રો પાસે પૈસા ચૂકવડાવું છું... તે કામ કરે છે. તો ત્યાં એક યુઝરે કટાક્ષ કર્યો હતો કે, અંબાણી એટલા અમીર થઈ ગયા છે કે, તેમની પાસે એક વ્યક્તિ છે જે તેમના માટે વોલેટનું કામ કરે છે. આ સિવાય એક યુઝરે લખ્યું હતું કે, બસ હું પણ આટલો અમીર બનવા માંગુ છું.

ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીના ઈન્ટરવ્યુનો આ વીડિયો ઘણા વર્ષો જૂનો છે. જોકે, આ વીડિયો લગભગ 15 દિવસ પહેલા સ્ટોક એજ્યુકેશન નામની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો માત્ર ગણતારીની મીનીટોમાં જ વાયરલ થઈ ગયો હતો. આ વીડિયોને અત્યાર સુધીમાં 3 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.