Advance Tax Payment: એડવાન્સ ટેક્સ પેમેન્ટ જમા કરવાની છેલ્લી તારીખ ખૂબ નજીક છે. જો તમે હજુ સુધી તમારો ટેક્સ ભર્યો નથી તો ઉતાવળ કરો કારણ કે તમારી પાસે માત્ર બે દિવસ બાકી છે. જો તમે આ તારીખ ચૂકી જાવ છો તો તમારે દંડ અને વ્યાજ ચૂકવવું પડશે.


એડવાન્સ ટેક્સ શું છે?


વર્તમાન નાણાકીય વર્ષ માટે સમય પહેલા આવકવેરો ભરવાને એડવાન્સ ટેક્સ કહેવામાં આવે છે. આમાં જમા થયેલા નાણાંની ગણતરી અંદાજના આધારે કરવામાં આવે છે. તે હપ્તામાં ચૂકવવા પડશે. બાદમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે ટેક્સની યોગ્ય ગણતરી કરવામાં આવે છે. જો તમારો વધારાનો ટેક્સ કાપવામાં આવ્યો છે તો તે પાછો આવશે.


કોણે ભરવાનો હોય છે એડવાન્સ ટેક્સ


ઈન્કમ ટેક્સ એક્ટ મુજબ, જો તમારે TDS (Tax Deducted at Source ) બાદ પણ 10,000 રૂપિયાથી વધુ ટેક્સ ચૂકવવો હોય તો તમારે એડવાન્સ ટેક્સ જમા કરાવવો પડશે.


આ રકમ ન ચૂકવવા બદલ દંડ કરવામાં આવશે


જો તમે સમયસર એડવાન્સ ટેક્સ ચૂકવી શકતા નથી તો તમારે દર મહિને એક ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને એડવાન્સ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.


ક્યારે અને કેટલો ટેક્સ ભરવો પડશે?


એડવાન્સ ટેક્સના નિયમો અનુસાર 15 જૂન સુધીમાં 15 ટકા ટેક્સ જમા કરાવવાનો હોય છે. આગામી હપ્તા તરીકે 15 સપ્ટેમ્બર સુધીમાં 45 ટકા ટેક્સ જમા કરાવવાનો રહેશે. ત્રીજા હપ્તાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર છે. આ તારીખ સુધીમાં તમારા એડવાન્સ ટેક્સના 75 ટકા જમા થઈ જવા જોઈએ. છેલ્લો હપ્તો 15 માર્ચે આવશે. આ તારીખ સુધીમાં તમારા એડવાન્સ ટેક્સનો 100 ટકા સરકાર સુધી પહોંચવો જોઈએ.


એડવાન્સ ટેક્સ કેવી રીતે ભરવો


સૌથી પહેલા તમારે આવકવેરા વિભાગની વેબસાઈટ પર જવું પડશે. આ પછી ઈ-પે ટેક્સ પર ક્લિક કરો. પછી તમારો PAN નંબર અને આધાર નંબર દાખલ કરો. આ પછી એક OTP આવશે જે દાખલ કર્યા પછી તમારે તમારું અસેસમેન્ટ યર પસંદ કરવું પડશે અને એડવાન્સ ટેક્સ વિકલ્પ પર જવું પડશે. આ પછી ટેક્સની રકમ ભરો અને પેમેન્ટ ઓપ્શન પસંદ કરો અને Pay Now પર ક્લિક કરો.