નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતની અસર દેશના દરેક વ્યક્તિ પર પડે છે. આજે દેશભરમાં પેટ્રોલ ડિઝલની કિંમત આસમાને પહોંચી ગઈ છે. 100થી વધારે જિલ્લામાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. પેટ્રોલ ડિઝલના આ ધરખમ ભાવ વધારાના વિરોધમાં આજે કોંગ્રેસ પાર્ટી પેટ્રોલ પંપો પર સાંકેતિક વિરોધ પ્રદર્શન કરી રહી છે. આખરે શા માટે વધી રહી છે પેટ્રોલ ડિઝલની કિંમત ? સરકાર કેટલો ટેક્સ વસૂલે છે ? જાણો તેના વિશે વિગતે.


મે-જૂનમાં કેટલી વધી પેટ્રોલિ ડિઝલની કિંમત


માર્ચ એપ્રિલમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન પેટ્રોલ ડીઝળની કિંમતમાં મોટો ફેરફાર થયો ન હતો. બે મેના રોજ ચૂંટણીના પરિણામ બાદ ચાર મેથી કિંમત વધવાની શરૂ થઈ ગઈ. મેમાં કુલ 16 વખત પેટ્રોલની કિંમતમાં વધારો થયો. દિલ્હીમાં મે મહિનામાં પેટ્રોલ 3.83 રૂપિયા અને ડિઝલ 4.42 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયુ. જ્યારે જૂનમાં અત્યાર સુધીમાં 6 વખત પેટ્રોલની કિંમત વધી છે. જૂનમાં પેટ્રોલ 1.66 રૂપિયા જ્યારે ડિઝલ 1.6 રૂપિયા મોંઘું થયું છે. વર્ષ 2021માં અત્યાર સુધી કિંમત 48 વખત વધી છે. આ દરમિયન પેટ્રોલ 12.14 રૂપિયા મોઘું થયું છે.


માર્ચ-એપ્રિલમાં ઘટી હતી પેટ્રોલ ડિઝલની કિંમત


માર્ચ અને એપ્રિલમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં ત્રણ વઘત ઘટાડો થયો હતો. 15 એપ્રિલથી પહેલા પેટ્રોલ ડિઝલની કિંમતમાં છેલ્લે ફેરફાર 30 માર્ચના રોજ થયો હતો. ત્યારે દિલ્હીમાં પેટ્રોલ 22 પૈસા અને ડિઝલ 23 પૈસા સસ્તું થયું હતું. માર્ચમાં પેટ્રોલ 61 પૈસા સસ્તું થુયં અને ડિઝલની કિંમત 60 પૈસા ઘટી હતી. માર્ચમાં પેટ્રોલ ડિઝલની કિંમતમાં 3 વખત ઘટાડાનું સૌથી મોટું કારણ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો હતું.


વિતેલા 7 વર્ષમાં કેટલી વધી કિંમત ?


દર વર્ષે પેટ્રોલ ડિઝલ મોંઘા થતા જઈ રહ્યા છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.



  • 2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર

  • 2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર

  • 2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર

  • 2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર

  • 2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર

  • 2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર

  • 2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર


11 જૂન 2021- પેટ્રોલ 95.85 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 86.75 રૂપિયા પ્રતિ લિટર


પેટ્રોલ-ડિઝલ પર કેટલો ટેક્સ વસૂલે છે સરકાર ?


સરકારનું કહેવું છે કે, કિંમત આંતરરાષ્ટ્રિય કિંમતને કારણે વધી રહી છે. પરંતુ અસરમાં એક લિટર પેટ્રોલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો ટેક્સ તરીકે તગડી રકમ વસૂલી રહી છે. પેટ્રોલ પર કેન્દ્ર સરકાર રાજ્યો કરતાં પણ વધારે ટેક્સ લઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ ડિઝલ પર લગાવવામાં આવેલ વેટ દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. સરેરાશ રાજ્ય સરાકર એક લિટર પેટ્રોલ પર અંદાજે 20 રૂપિયા અને કેન્દ્ર સરકાર અંદાજે 33 રૂપિયા ટેક્સ વસૂલે છે. એટલે કે પેટ્રોલ ડિઝલ પર લોકો અડધાથી વધારે રકમ તો સરકારને ટેક્સ તરીકે આપી રહી છે.